કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને અર્પણ કરવાના છે ત્યારે આ પ્રસંગે હાજરી આપવા માટે તેઓ તા.૩૦મીએ રાત્રે જ વડાપ્રધાન દીલ્હીથી અમદાવાદ એરપોર્ટ થઈ ને સીધા ગાંધીનગર આવવાના છે. જેમના રાત્રી રોકાણને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનની ગાંધીનગરમાં હાજરી હોવાના કારણે પાટનગરમાં થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે જેમાં રેન્જ ડીઆઈજીના સુપરવીઝન હેઠળ ચાર એસપી, દસ ડીવાયએસપી સહિત ૬૦૦થી વધુ પોલીસ જવાનોને બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવી છે. એરપોર્ટથી રાજભવન ગાંધીનગર સુધીના માર્ગના બન્ને બાજુ સઘન સફાઈ વ્યવસ્થા શરૃ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં રાજયના મુખ્યમંત્રી તરીકેની ગાદી છોડયા બાદ નરેન્દ્ર મોદી દિલ્હીમાં વડાપ્રધાન તરીકે સત્તારૃઢ થયા બાદ અવારનવાર તેમની ગાંધીનગરમાં મુલાકાતો થતી રહી છે. રાજ્યમાં કોઈપણ જિલ્લામાં કાર્યક્રમ માટે આવતાં વડાપ્રધાન રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરવાનું પસંદ કરતાં હોય છે. ત્યારે આગામી તા.૩૧ ઓકટોબરે સરદાર જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પણ તેમના હસ્તે થવાનું છે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તા.૩૦મીએ રાત્રે જ ગાંધીનગર આવી જવાના છે. મંગળવારે સાંજે તેઓ દિલ્હીથી સીધા અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચશે અને ત્યાંથી રોડ માર્ગે રાજભવન ગાંધીનગર પહોંચશે. રાજભવનમાં રાત્રીરોકાણ કર્યા બાદ તા.૩૧મી બુધવાર સવારે વડાપ્રધાન સચિવાલય હેલીપેડથી સીધા જ કેવડીયા ખાતે જવાના છે અને ત્યાંથી વડોદરા થઈ સીધા દિલ્હી પહોંચશે. વડાપ્રધાનની આ ટુંકી મુલાકાત હોવા છતાં ગાંધીનગર જિલ્લાનું તંત્ર અને પોલીસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન એરપોર્ટથી રોડ માર્ગે આવવાના હોવાથી કોબા હાઈવે ઉપર હાલ સઘન સફાઈ વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે તો રાત્રીનો સમય હોવાથી પુરતી લાઈટીંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવનાર છે. સુરક્ષાની દ્રષ્ટીએ પણ પોલીસ કોઈ કચાશ રાખવા માંગતી નથી માટે ગાંધીનગર રેન્જ ડીઆઈજીના સુપરવીઝન હેઠળ ચાર એસપી, દસ ડીવાયએસપી, ૩૦ પીઆઈ, ૬૦ પીએસઆઈ, ૬૦૦ પોલીસ, પ૦ મહિલા, દોઢ કંપની એસઆરપી, કયુઆરટી અને ટ્રાફિક પોલીસને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે જે રાજભવન, હેલીપેડ અને રોડ બંદોબસ્તની કામગીરી કરશે.