મોદીની મુલાકાત બાદ ભાજપના નેતાઓને દિલ્હીથી તેડુ, રાજકારણમાં ગરમી વધી
સોમવાર, 1 ઑક્ટોબર 2018 (16:32 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગઇકાલની એક દિવસીય મુલાકાત બાદ આજરોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ સહિત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને દિલ્હી ખાતે મુલાકાત માટે તેડુ મોકલાવેલ છે. મુખ્યપ્રધાન, ઉપ મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખનું અચાનક દિલ્હી તેડુ આવતા રાજકીય વર્તૂળોમાં અટકળોએ ગરમી પકડી છે. જો કે હાલમાં સંગઠન અને લોકસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરવાને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દિલ્હી મુલાકાતે બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે વડાપ્રધાન મોદી ગઇકાલે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. આમ વડાપ્રધાનની ગુજરાત મુલાકાતના બીજા દિવસે મુખ્યમંત્રી, ડે. સીએમ અને પ્રદેશ પ્રમુખને દિલ્હી બોલાવામાં આવતા રાજકીય વર્તૂળોમાં ચર્ચાનો દોર શરૂ થયો હતો. જો કે આ અગાઉ સવારે પ્રદેશ પ્રમુખને દિલ્હીથી તેડુ આવતા કારોબારી બેઠક છોડી દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. આમ ત્યારબાદ સીએમ, ડે.સીએમને પણ દિલ્હી બોલાવામાં આવતા પ્રદેશ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.