સરદાર પટેલના સ્ટેચ્યુ ઑફ યુનિટી અનાવરણ કાર્યક્રમને લઈને ધમધમાટ શરૂ

સોમવાર, 15 ઑક્ટોબર 2018 (14:19 IST)
સરદાર પટેલના જન્મ દિવસ તા. ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જીલ્લાના કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર ડેમના સ્થળે જેનું અનાવરણ કરવાના છે તે સરદાર પટેલની વિરાટકાય ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાના અનાવરણ કાર્યક્રમને લઈને ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે અને તે માટે નર્મદા જીલ્લાના કેવડિયા ખાતે ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ અનાવરણ કાર્યક્રમને લઈને પીએમઓ અને સચિવાલયના અધિકારીઓને સ્થળની મુલાકાત લઈ કાર્યક્રમ અંગે જરૂરી સલાહ- સૂચનો આપ્યા હતા.
વડાપ્રધાનના વરદ હસ્તે સરદાર પટેલના સ્ટેચ્યુ ઑફ યુનિટીના અનાવરણ કાર્યક્રમ પ્રસંગે એક વિશેષ શિવલિંગ બનાવવાનું પણ આયોજન છે. વડાપ્રધાન મોદી આ વિશેષ શિવલિંગ પર નર્મદાના જળથી જળાભિષેક કરશે. વિક્રમી ૧૮૨ મીટરની ઉંચાઈ ધરાવતી સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ અને લોકાર્પણ વડાપ્રધાનના વરદ હસ્તે થશે અને આ પ્રસંગે ઉપસ્થિત મેદનીને પ્રધાનમંત્રી મોદી પ્રાસંગિક સંબોધન કરવાના હોઈ તે માટેનું સભાસ્થળ પણ નક્કી કરી નાખવામાં આવ્યું છે અને આ સભાસ્થળ
સરદાર સરોવર ડેમ નજીકનું હેલિપૅડ રાખવામાં આવ્યું છે તેવી વિગતો સાંપડી છે. અલબત્ત સભાસ્થળે ટ્રાફિકની સમસ્યાને લઈને કાર્યક્રમ ટૂંકાવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીના આ લોકાર્પણ કાર્યક્રમમાં દસ હજારની જનમેદની ઉપસ્થિત રહેશે એમ મનાય છે.

સરદાર સાહેબની વિશાળકાય પ્રતિમાને આવરણ વડે ઢાંકવી શક્ય બને તેમ નહિ હોવાથી સરદાર સાહેબની ૨૦ ફૂટ ઉંચાઈની એક રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે અને વડાપ્રધાન મોદી આ રેપ્લિકાનું જ અનાવરણ કરશે એમ મનાય છે. આ ઉપરાંત સરદાર સાહેબની પ્રતિમા જ્યાં બનાવવામાં આવી છે તે સ્થળે એક વિશેષ શિવલિંગનું પણ નિર્માણ કરવામાં આવશે. વડાપ્રધાન આ નર્મદા નદીના જળથી આ શિવલિંગ પર જળનો અભિષેક કરશે તે માટેનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. હાલની સ્થિતિએ પ્રતિમાના બાહ્યો ભાગોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને સ્ટેચ્યુની અંદરના હિસ્સાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હવે આવનાર દિવસોમાં વિશાળ સ્ટેજ બનાવવાની કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર