મગફળીનું ઉત્પાદન કેટલું તે ખ્યાલ નથી, તમારે કહેવું જોઇએ! : કેન્દ્રીય મંત્રી રૂપાલા

Webdunia
સોમવાર, 29 ઑક્ટોબર 2018 (12:15 IST)
રાજકોટમાં સોમાની વાર્ષિક સાધારણ સભામાં અતિથિ તરીકે આવેલા કેન્દ્રીય મંત્રી અને સૌરાષ્ટ્રના જ વતની એવા પુરૂષોતમ રૂપાલા મગફળીનું ઉત્પાદન કેવુ રહ્યું છે તેવા મીડિયાના પ્રશ્નમાં અચાનક જ ભડકયા હતા અને મગફળીનું ઉત્પાદન કેટલું થયું તેનો ખ્યાલ નથી, તેવો એકરાર કરી આ તો પત્રકારોએ કહેવું જોઇએ, આવા સવાલ કરવા હોય તો મીડિયાના મિત્રોને નમસ્કાર તેવું કહેતા કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન ચર્ચામાં આવ્યું હતું.
રાજકોટ સોમાની વાર્ષિક સાધારણમાં ભાગ લેવા આવ્યા તે પૂર્વે સ્થાનિક મીડિયાએ સૌ પ્રથમ તો અછતગ્રસ્ત વિસ્તારોની મુશ્કેલી અંગેનો સવાલ કરતા રૂપાલાનો મૂડ જુદો જ દેખાયો હતો અને સામે કહ્યું હતું કે આ કેવા સવાલ કરે છે. ત્યારે કેન્દ્રના રાજયકૃષિ મંત્રી હોય ત્યારે મગફળીનું ઉત્પાદન કેટલું થયું છે તેવો પ્રશ્ન પૂછાતા રૂપાલાએ પત્રકારોને કહ્યું હતું કે મને તો ખબર જ નથી તમે કહો કેટલુ ઉત્પાદન આવવાનું છે. આમ પ્રારંભમાં જ અછતગ્રસ્ત વિસ્તારની મુશ્કેલી તેમજ મગફળીના ઉત્પાદન અંગે રૂપાલા મીડિયાથી ગુસ્સામાં હોય તેવુ જણાયું હતું.
દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોએ ભાવાંતર યોજના સરકાર લાગુ નહીં કરે તો ૧લી નવેમ્બરથી યાર્ડમાં હડતાલની ચિમકી આપી છે તે અંગે કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી રૂપાલાને પૂછતાં તેમાં પણ તેણે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે 3૧મી ઓકટોબર સુધીમાં ભાવાંતર યોજના શરૂ નહીં થાય. આ વર્ષે ભાવાંતર યોજના પ્રાયોગિક ધોરણે શરૂ કરાશે અને સમગ્ર રાજયમાં તેનું અમલીકરણ થતાં સમય લાગશે. પણ હાલમાં તેનું અમલીકરણ નહી કરવામાં આવે તેવું સાફ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article