કડીની એક શાળામાં ધો-7ની વિદ્યાર્થિની ઉપર તેના વર્ગ શિક્ષકે એક વખત નહીં પરંતુ સમયાંતરે પાંચ વખત વર્ગખંડમાં જ દુષ્કર્મ આચર્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. સ્થાનિક પોલીસે ફરિયાદ લેવાના બદલે ધમકી આપ્યાના આક્ષેપ સાથે વિદ્યાર્થિનીનો પરિવાર ડીવાયએસપી મંજિતા વણઝારાને મળતાં તેમણે કડી પોલીસને ફરિયાદ લેવા સૂચના આપી હતી. કડી તાલુકાના એક ગામમાં રહેતી 13 વર્ષની કિશોરી સેદરાણા પ્રા. શાળામાં ધો-7માં અભ્યાસ કરતી હતી. છાત્રાને તેના વર્ગ શિક્ષકે રિશેષમાં વર્ગખંડમાં બોલાવી દુષ્કર્મ આચર્યાનો ભોગ બનનારના પિતાએ આક્ષેપ કર્યોએ છે.
છાત્રાના પિતાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદ મુજબ, છાત્રા દિવાળી વેકેશન પૂર્ણ થતાં શાળાએ ગઇ હતી. તે દરમિયાન તેના વર્ગશિક્ષકે રિશેષ સમયે તમામ વિદ્યાર્થીઓ બહાર જતાં છાત્રાને વર્ગખંડમાં બોલાવી હતી અને રૂમ બંધ કરી દુષ્કર્મ આચરનારા શિક્ષકે ત્યાર બાદ આ અંગે કોઇને કહીશ તો શાળામાંથી કાઢી મૂકીશું તેવી ધમકી આપી વધુ ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન શિક્ષકે છાત્રાને આપેલો મોબાઇલ પિતાના હાથમાં આવતા આ ઘટના પ્રકાશમાં આવી હતી.ગત 15 એપ્રિલે કડી પોલીસે શિક્ષક સામે ફરિયાદ નોંધવાના બદલે ધમકી આપીને કાઢી મૂક્યાના આક્ષેપ સાથે બુધવારે છાત્રા સાથે પરિવાર મહેસાણા ખાતે ડીવાયએસપી મંજીતા વણઝારા પાસે પહોંચ્યો હતો. અહીં પોલીસ અધિકારીએ છાત્રાને પોતાના રૂમમાં એકલી બોલાવી કરેલી પૂછપરછમાં સત્યતા જણાતાં કડી પોલીસને શિક્ષક સામે પોક્સો એક્ટ અને છેડતીની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પિતાએ કરેલા આક્ષેપ મુજબ, શિક્ષક કેટલીક વખત ચાલુ શાળાએ અન્ય વિદ્યાર્થિનીઓ સામે છાત્રાને કીસ કરતો હતો. આ બાબતે પરિવારે તેની સાથે અભ્યાસ કરતી છાત્રોઓને મળીને હકીકત જાણવા પ્રયાસ કર્યો હતો.