સુરતની દુષ્કર્મ પીડિત બાળકીની તસવીરો મૂકવામાં આવી 25,000 સાડીઓ સાથે જાણો શું છે કારણ

બુધવાર, 18 એપ્રિલ 2018 (13:00 IST)
સુરતના પાંડેસરામાંથી મળેલી દુષ્કર્મ પીડિત મૃત બાળકીની વ્હારે હવે સુરતના વેપારીઓ આવ્યા છે. શહેરના વેપારીઓએ પીડિત બાળકીના ફોટો સાથેની 25000 જેટલી સાડી તૈયાર કરી છે. બાળકીની ઓળખ માટે જુદા જુદા શહેરોમાં આ સાડી મોકલવામાં આવશે. ઓડિશા, બંગાળ, બિહાર અને ઝારખંડ સુધી આ સાડી મોકલાવવાની વેપારીઓની તૈયારી છે જેથી બાળકીના પરિવારજનોની ભાળ મળી શકે અને આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકે. 

સુરતના પાંડેસરા ખાતે બાળકી પર થયેલ દુષ્કૃત્ય પરત્વે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે અને ઘટનામાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં, એટલું જ નહિં કડકમાં કડક સજા પણ કરાશે. ઘટનાની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અમારા બધાની સંવેદના જોડાયેલી છે. આ માટે રાજ્ય સરકારે 20 હજારના ઇનામની પણ જાહેરાત કરી છે. દુષ્કૃત્ય કરનાર કોઇપણ હશે તેને અમે બક્ષવા માંગતા નથી. તેમજ ગુનેગારો અંગે કે ભોગ બનનાર બાળકીના વાલી-વારસો અંગે કોઇને પણ માહિતી ઉપલબ્ધ હોય તો સત્વરે પોલીસને આપવા પણ તેમણે અપીલ કરી હોવાનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. 
પાંડેસરા ખાતે જે ઘટના બની તેના પ્રથમ દિવસથી જ રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી કામગીરી આરંભી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા તપાસનો દોર હાથ ધરાયો હતો. પરંતુ બાળકીના પરિવારજનોની ભાળ મળી નહોતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોસ્ટરો છપાવીને પણ બાળકીની ઓળખ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. સાથે સાથે મહારાષ્ટ્ર, ગુજરાત,ઉત્તરપ્રદેશ અને ઓડીશા રાજ્યના 8,000થી વધુ મિસિંગ ચાઇલ્ડ છે તેમની સાથે પણ બાળકીના ફોટોગ્રાફસ થકી ભાળ મેળવવા પ્રયાસ કરાયો પરંતુ ઓળખ થઇ શકી નહોતી.
પ્રથમ દ્રષ્ટિએ આ કૃત્ય અન્યત્ર થયું હોય અને કૃત્ય બાદ બાળકીને પાંડેસરામાં મૂકી દેવાઇ હોય તેવું લાગે છે. બાળકીની તથા તેના વાલી-વારસની ઓળખ મેળવવા માટે ઓડિસાના ડી.જી.પી. સાથે રાજ્યના પોલીસ વડા સતત સંપર્કમાં છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જેના પરિણામે ટૂંક સમયમાં ઘટનાનો ઉકેલ આવે તેવું લાગી રહ્યું છે.a

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર