ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા હોમગાર્ડનાં જવાનોને દિવસ-રાત રાજ્યની સુરક્ષા માટે ફરજ પર બોલાવવામાં આવતા હોય છે. રાજ્યમાં લગભગ દરેક જગ્યાએ તમને હોમગાર્ડનાં જવાનો જોવા મળશે. તાજેતરમાં તેમના અમુક પ્રશ્નોને લઇને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. હોમગાર્ડ જવાનોનું કહેવું છે કે, અમને બીજા રાજ્યની સરખામણીમાં ઓછું વેતન આપવામાં આવે છે, જે અમારી સાથે કરવામાં આવતો હળહળતો અન્યાય છે.
ગુજરાતમાં લગભગ 50 હજાર જેટલા હોમગાર્ડનાં જવાનો છે. જેમને હાલમાં દૈનિક ભથ્થું 304 રૂપિયા આપવામાં આવે છે. તેમની માંગણી છે કે, જેમ અન્ય રાજ્યોમાં હોમગાર્ડનાં જવાનોને ભથ્થું આપવામાં આવે છે તેમ અમને પણ આપવામાં આવે. હોમગાર્ડનાં જવાનોએ આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી છે. તેમણે રજૂઆતની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, અત્યારે અમને દૈનિક 304 રૂપિયા આપવામાં આવે છે જેની જગ્યાએ 700 રૂપિયા આપવામાં આવે. તે સિવાય તેમની માંગ છે કે નિવૃત્તિ વય મર્યાદા 55ની જગ્યાએ 58 વર્ષ કરવામાં આવે. હોમગાર્ડ જવાનોનું ભથ્થું એપ્રિલ 2017માં રૂપિયા 204થી વધારીને રૂપિયા 304 કરવામાં આવ્યુ હતુ, પરંતુ મોઘંવારીને ધ્યાને લઇને આર્થિક રક્ષણ મળી રહે તે માટે તેમણે દૈનિક રૂપિયા 700 ભથ્થું કરી આપવા માંગણી કરી છે. હોમગાર્ડનાં જવાનોએ અન્ય રાજ્યને અપાતા ભથ્થાં અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, યુપીમાં માસિક રૂપિયા 17,600, હિમાચલમાં રૂપિયા 18,900, દિલ્હીમાં રૂપિયા 17,500 છે. જ્યારે હરિયાણામાં દૈનિક રૂપિયા 572, રાજસ્થાન અને કેરળમાં માસિક રૂપિયા 17,500, મધ્યપ્રદેશમાં 18,000, ઉત્તરાખંડમાં દૈનિક રૂપિયા 700 આપવામાં આવે છે. આ દરેક રાજ્યની સરખામણીમાં ગુજરાતનાં હોમગાર્ડનાં જવાનોને આપવામાં આવતુ ભથ્થું ઘણુ જ ઓછું છે. હોમગાર્ડનાં જવાનો કહે છે કે, અમને મહિનાનાં માત્ર 27 દિવસ ફરજ પર બોલાવવામાં આવે છે અને ઘણીવાર અમને પગાર બે-ત્રણ મહિને મળે છે, આ અમારી સાથે કરવામાં આવતો અન્યાય છે, જેની સરકારે નોંધ લેવી આવશ્યક છે. જોવાનું હવે રહેશે કે સરકારને કરવામાં આવેલી રજૂઆતમાં હોમગાર્ડનાં જવાનોને ન્યાય મળશે કે અન્યાય.