ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનેલા નવસારી સાંસદ સી આર પાટીલના વિસ્તાર માટે સરકારે 114 કરોડની રકમ ફાળવી છે. જેમાં નવસારી નગરપાલિકામાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટેના રેલવે ઓવર બ્રિજને મંજૂર કરવામાં આવ્યો છે. 12 મીટર પહોળા થ્રી લેન રેલવે ઓવરબ્રિજથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ પણ આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં થ્રી-લેન રેલ્વે ઓવરબ્રિજ બનાવવા માટે રૂ. 114.50 કરોડના કામોની મંજૂરી આપી છે.નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ 127 પર આ થ્રી-લેન ઓવરબ્રિજ માટે 50 ટકા ફાળો રાજ્ય સરકારનો અને 50 ટકા ફાળો કેન્દ્ર સરકારનો રહેશે. 12 મીટર પહોળાઇના આ થ્રી-લેન ઓવરબ્રિજના નિર્માણથી નવસારી નગરની પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યા હળવી થશે. રેલ્વે ફાટક બંધ રહેવાને પરિણામે થતી ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. નવસારી અને વિજલપોર નગરપાલિકા વિસ્તારના અંદાજે બે લાખ જેટલા લોકો-નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે. એટલું જ નહિ, પગપાળા અવર-જવર કરતા લોકો માટે હયાત ફાટક નીચે એક રાહદારી અંડરપાસ પણ બનાવવામાં આવશે.