મોરબીમાં યુવકનું ક્રિકેટ રમતા મોત, રાજ્યમાં દોઢ મહિનામાં નવમી અને પાંચ દિવસમાં જ બીજી ઘટના
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાના બનાવ બની રહ્યા છે. હાર્ટ એટેકથી ઘણા યુવકોના મોત થયાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ફરીવાર આવો જ એક બનાવ બન્યો છે. આજે વધુ એક યુવકનું ક્રિકેટ રમતા દરમિયાન મોત થયુ છે. રાજ્યમાં દોઢ મહિનાના ગાળામાં આ નવમી ઘટના બની હતી. હજુ ગત 19મી માર્ચે જ રાજકોટમાં આવી ઘટના બની હતી ત્યારે આજે પાંચ દિવસ બાદ મોરબીમાં વધુ એક બનાવ સામે આવ્યો છે.
હળવદમાં ક્રિકેટ રમતા યુવકને હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યુ છે. આ ઘટનાની વિગત પ્રમાણે મોરબીના લજાઈ ખાતે ક્રિકેટ રમતી વખતે એક 32 વર્ષીય યુવકને અચાનક ઉલટી થવાની શરુ થતા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે ત્યા ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવકને હાર્ટએટેક આવ્યો હોવાથી મોત થયાનું જાણવા મળ્યુ હતું. આ ગ્રાઉન્ડ પર જિલ્લા પંચાયતની મેચ રમાવાની હોય તે માટે પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. આ યુવકનું નામ અશોક કણઝરીયા હોવાનું જાણવા મળ્યુ હતું અને તેને 4 વર્ષનું સંતાન પણ છે. યુવકનું અચાનક મોત થતા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ પહેલા પણ રાજકોટ, સુરત અને અમદાવાદમાં પણ આવા જ બનાવ બની ગયા છે. હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટમાં એક યુવકને ક્રિકેટ રમતા સમયે અચાનક હાર્ટએટેક આવતા ગ્રાઉન્ડ પર ઢળી પડ્યો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યા ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ પહેલા પંચમહાલમાં એક યુવક લગ્ન પ્રસંગમાં નાચી રહ્યો હતો ત્યારે અચાનક હાર્ટએટેક આવતા ઢળી પડ્યો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા હતા તે દરમિયાન રસ્તામાં જ મોત નિપજ્યુ હતું.