મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે પોલીસે 1200 પાનાની ચાર્જશીટ રજૂ કરી, આરોપી તરીકે જયસુખ પટેલનું નામ ઉમેરાયું

શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (13:41 IST)
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું છે.  મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા 1200 પાનાંની ચાર્જશીટ  રજૂ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં આ કેસમાં 9 લોકોની ધરપકડ થઈ છે. જયસુખ પટેલે આ મામલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલી છે. જેની સુનવણી 1લી ફેબ્રુઆરીના રોજ થવાની છે.

અગાઉ આ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. પહેલી ફેબ્રુઆરીના રોજ તેમની આગોતરા જામીન અરજી મંજુર કરાય છે. કે પછી તે પૂર્વે જ તેમની ધરપકડ કરવામાં આવે છે તે હજી નક્કી નથી.  આજે આગોતરા જામીન અરજી પર મોરબીની સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી. આ સુનવણીમાં પોલીસ દ્વારા મુદ્દત માંગવામાં આવતા તેને ધ્યાને લઈ કોર્ટે આગામી સુનવણી પહેલી તારીખ પર રાખી છે.મોરબી ઝૂલતો પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતો પુલનું રીનોવેશન કરવામાં આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. જે બનાવ મામલે મૃતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. જોકે ઝૂલતો પુલ દુર્ઘટના મામલે થયેલી ફરિયાદમાં તેમનું નામ આરોપી તરીકે મુકવામાં આવ્યું નહતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર