ગુજરાતમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે, રાજ્યમાં મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેને કાબૂમાં લેવા અને કોરોનાની ચેન તોડવા લોકડાઉન લાદવા માટે હાઇકોર્ટ, ડોકટરોનાં વિવિધ એસોસિએશન, વેપારી સંગઠનો અને ખુદ પ્રજા પણ લોકડાઉનની તરફેણ કરી રહી છે છતાં સરકાર હજુ કોઈ ચોક્કસ નિર્ણય કે ઉકેલ ના લાવતાં પ્રજામાં ભારે રોષ ફેલાયો છે, સરકાર હજુ કેમ લોકડાઉન નથી કરતી? લોકડાઉન કરવામાં સરકારને શું નડે છે? એ પ્રશ્ન ગુજરાતની જનતામાં ચાલી રહ્યો છે.
ગુજરાતમાં કોરોના પીક પર પહોંચી ગયો છે, જેને કારણે રાજ્યનું આરોગ્યતંત્ર પડી ભાંગ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે, હોસ્પિટલમાં બેડની અછત, દવાની અછત, એમ્બ્યુલન્સની અછત, ટેસ્ટિંગમાં લાઈનો, સ્મશાનમાં પણ ભીડ, દર્દીઓ આમતેમ દોડધામ કરી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં કોરોનાની ચેન તોડવા અને મેડિકલ કટોકટી દૂર કરવા માટે સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવે એવી લાગણી અને માગણી હાઇકોર્ટથી માંડી ડોકટરો કરી રહ્યાં છે છતાં સરકાર લોકડાઉન કરવામાં અવઢવમાં મુકાઈ ગઈ છે.સરકારના લોકડાઉન અંગેના આ વલણથી થાકી ગયેલી જનતા અને વિવિધ જાગ્રત સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન સાથે પોતાની સલામતી રાખી રહ્યા છે, ખાસ કરીને ગુજરાતની જાગ્રત જનતા પણ કોરોના સામે લડવા પ્રયત્ન કરી રહી છે, કામ સિવાય બહાર નીકળતા નથી, માસ્ક અને ડિસ્ટનસિંગની સાથે ટેસ્ટિંગ અને વેક્સિનેશનમાં આગળ આવી પોતાના પરિવારને કોરોનાથી બચાવવા મહેનત કરી રહી છે, ત્યારે જો સરકાર પણ લોકડાઉન દ્વારા કોરોનાની ચેન તોડવાનો પ્રયત્ન કરે તો જનતા પણ સહકાર આપી ગુજરાતમાં કોરોના કાબૂમાં લેવા પ્રયાસ થઈ શકે છે.