ગુજરાતમાં કોરોનાની સ્થિતિ રોજ ચિંતાજનક બનતી જઈ રહી છે. કોરોનાની કટોકટી વચ્ચે નવા કેસો સ્થિર થવાનું નામ લેતા નથી. રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 11 હજારને પાર થયો છે અને 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 11,403 નવા કેસ નોંધાયા છે. તેમજ 117 દર્દીના મોત થયા છે. જ્યારે 4,179 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ 82.15 ટકા થયો છે. સતત 20માં દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે.
કયાં શહેર અને જિલ્લામાં કેટલાં મોત
24 કલાક દરમિયાન સુરત શહેરમાં 28, અમદાવાદ શહેરમાં 23, વડોદરા શહેરમાં 8, રાજકોટ શહેરમાં 7, સુરેન્દ્રનગરમાં 6, જામનગર શહેરમાં 4, ભરૂચ, જામનગર, મોરબી અને વડોદરા જિલ્લામાં 3-3, બનાસકાંઠા, ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહેસાણા અને સુરત જિલ્લામાં 2-2, અમરેલી, આણંદ, અરવલ્લી, ભાવનગર શહેર, બોટાદ, ગાંધીનગર શહેર, જૂનાગઢ, પંચમહાલ, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં 1-1 મળીને કુલ 117ના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 5494એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત 11 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે.
1 લાખ 51 હજાર 192ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 51 હજાર 192ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 89 લાખ 79 હજાર 244 લોકોને પ્રથમ ડોઝ અને 15 લાખ 79 હજાર 244 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 4 લાખ 39 હજાર 204નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 72 હજાર 341 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 69 હજાર 895ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
68,754 એક્ટિવ કેસ અને 341 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 80 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 15 હજાર 972ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,494 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 41 હજાર 724 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 68,754 એક્ટિવ કેસ છે, જેમાંથી 341 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 68,413 દર્દીની હાલત સ્થિર છે