વડોદરા જિલ્લા પોલીસ તંત્રના છેવાડાના ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચર્ચાસ્પદ મહિલા પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ થતાં સમગ્ર પોલીસ બેડામાં સનસનાટી મચી જમા પામી છે. જિલ્લા પોલીસ વડાએ અપહૃત મહિલા કોન્સ્ટેબલને શોધવા માટે જિલ્લા પોલીસની તમામ એજન્સીઓને કામે લગાવી દીધી છે.
મહિલા પોલીસ કોન્સ્ટેબલની શંકાસ્પદ અપહરણને પગલે ચકચાર મચી છે. મળેલી માહિતી અનુસાર, ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું શુક્રવારે સવારે કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, આ બનાવની જાણ વડોદરા જિલ્લા પોલીસને થતાં પોલીસ દ્વારા ગુપ્ત રાહે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં જિલ્લા પોલીસની ડેસર પોલીસ, એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો મણીબેન ચૌધરીને શોધવામાં કામે લાગી છે. પરંતુ ચોવીસ કલાસ જેટલો સમય વિતી ગયા હોવા છતાં મણીબેન ચૌધરીનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી. અપહૃત કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી 16 જાન્યુઆરી 2023ના રોજ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તે સમયે 8 દિવસની રજાનો રિપોર્ટ મુકી સાંજના સમયે પોલીસ સ્ટેશનથી નિકળી ગયા હતા. તે પછી બનાસકાંઠા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતી પોતાની મોટી બહેનને સંદેશો પાઠવ્યો હતો કે, હું મારી મરજીથી વિદેશ જવું છું. ત્યારબાદ તેની મોટી બહેન અને પરિવારે ડભોઇ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, પરંતુ મણીબેનનો ફોન બંધ આવતો હતો. તે પછી પરિવારજનો ડભોઇ પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતા અને જાણવા જોગ અરજી આપી હતી.આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, ડભોઇ પોલીસ સ્ટેશનમાં વારંવાર જતા સદામ ગરાસીયા સાથે મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીને દોઢ વર્ષ પહેલા પ્રેમ થયો હતો. 28 ડિસેમ્બર 2022થી બન્ને મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા. 16 જાન્યુઆરી 2023ના રોજ મહિલા કોન્સ્ટેબલ મણીબેન ઈશ્વરભાઈ ચૌધરી અને સદ્દામ ગરાસીયા ડભોઇથી ભાગી છૂટ્યા હતા અને છ દિવસ બાદ બંને કોલ્હાપુરથી ઝડપાઇ ગયા હતા. દરમિયાન મણીબેન ચૌધરીને તેઓના માતા-પિતા તેમના ડિસાના થેરવાડા ગામ લઈને જતા રહ્યા હતા.પોલીસ ફરિયાદ મુજબ મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીની ડભોઇથી ડેસર બદલી થતાં તેઓ ડેસર તાલુકાના વેજપુર સ્થિત ભાડાના મકાનમાં રહે છે. મણીબેન ચૌધરીની વાયરલેસ સેટ પર નોકરી હોવાથી તેઓ આજે સવારે ફરજ પરથી પરત ઘરે જઇ રહ્યાં હતા. દરમિયાન વેજપુર કેનાલ પાસે એક કાળા રંગની કારમાં સવાર શખ્સોએ તેમનુ અપહરણ કરી ગયા હોવાનું અપહૃત કોન્સ્ટેબલ સાથે મૈત્રી કરારથી રહેતા સદ્દામે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.