આજકાલનાં યુવાનોમાં સહનશક્તિ કે પછી ધીરજની કમી છે. દરેક એવું જ ઈચ્છે છે કે તેને પ્રથમ પ્રયાસે જ બધુ મળી જવુ જોઈએ. તેથી જ એકવાર ફેલ થવામાં હોય કે પહેલો પ્રેમ નિષ્ફળ ગયો હોય યુવાનો સીધા આત્મહત્યા કરવાનું વિચારી લે છે. આવો જ એક કેસ સુરતમાં બન્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં એક 17 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. પરિવારની એકની એક દીકરીએ અંતિમ પગલું ભરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે ધોરણ 12માં ઓછા ટકા આવવાથી હતાશ થઈ ગઈ હતી. ડોક્ટર બનવાનું સપનું સેવતી દીકરીએ પરીક્ષાનું પરિણામ ખરાબ આવતાં હતાશ રહેતી હતી. MBBS બનવા માગતી દીકરીને ધોરણ12 અને NEETમાં માર્ક્સ ઓછા આવતાં હતાશ રહેતી હતી. કોઈ ઘરે ન હતું ત્યારે તેણે મોતનો માર્ગ અપનાવ્યો હતો.
અમરોલી વિસ્તારમાં કિરીટ પ્રજાપતિ પત્ની, એક દીકરી અને બે દીકરા સાથે રહે છે. કિરીટ પ્રજાપતિ રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરી ક્રીનલે હમણાં ધોરણ 12ની પરીક્ષા આપી હતી જેમાં તે પાસ થઈ હતી. જોકે તેના ઓછા ટકા આવ્યા હતા.
પરિવારે જણાવ્યું હતું કે, ક્રીનલ પરિવારની એકની એક દીકરી અને લાડકી હતી. એક પુત્ર ધોરણ 2માં અભ્યાસ કરે તો બીજો પુત્ર ધોરણ 8માં અભ્યાસ કરે છે. ક્રીનલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને તે પાસ પણ થઈ ગઈ હતી. તેને કોઈ પણ પ્રકારનું દબાણ ન હતું. તેને અભ્યાસમાં સપોર્ટ કરતા હતા.