રાજકોટના કાગદડીના મહંત આત્મહત્યા કેસમાં દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે પરંતુ પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી. ઝેરી દવા પીને આત્મહત્યા કરનારા મહંતનું હાર્ટ-એટેકથી મૃત્યુ થયાનું સર્ટિફિકેટ બનાવનારા તબીબ અને વકીલની પણ સંડોવણી સામે આવી છે.
આ કેસમાં બે મુખ્ય આરોપી અલ્પેશ મૂળ કોડીનાર પંથકનો છે, જયારે હિતેશ સૂત્રાપાડા પંથકનો છે. જેથી પોલીસ બંનેને પકડવા છેલ્લા ઘણા દિવસોથી કમર કસી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ છથી વધુ વખત કોડીનાર જઇ આવ્યો છે. પરંતુ આરોપીઓનો કોઇ પત્તો લાગ્યો નથી. આરોપીઓના સગા-સંબંધીઓને પણ રાજકોટ લાવી પુછપરછ કરાઇ હતી. પરંતુ તેમને પણ આરોપીઓ વિશે કોઇ જાણકારી નહોતી.
હિતેશનું લાસ્ટ લોકેશન બગસરાના પીઠડીયા ગામે મળેલુ, તેના નજીકના ગણાતા દિવ્યેશની પણ પુછપરછ કરવામા આવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી લેવા ટેકનોલોજીનો પણ સહારો લીધેલો, વિક્રમ, અલ્પેશ અને હિતેશના મોબાઇલ ફોનના લોકેશન મેળવેલ, જેમાં હિતેશનું લાસ્ટ લોકેશન બગસરાના પીઠડીયા ગામે મળ્યુ હતું. જે અંગે તપાસ કરતા આ લોકેશન તા.6 જૂનનું હતું અને તે દિવસે જ હિતેશનો નજીકનો ગણાતો દિવ્યેશ પણ રાજકોટથી બગસરાના પીઠડીયા પહોંચ્યો હતો.
આ દિવ્યેશનું ગામ હોવાનું કહેવાઇ રહ્યું છે અને અહીં હિતેશની ખનન પ્રવૃતિઓ ચાલતી હોવાની જાણકારી મળતા પોલીસ તપાસ માટે પહોંચેલી અને દિવ્યેશને રાજકોટ ઉઠાવી લાવેલી તેની પુછપરછ કરતા હિતેશ તેમની સાથે ન ગયો હોવાનું ખુલ્યુ હતું અને તેમને હિતેશ વિશે કોઇ જાણકારી પણ નહોતી