અમદાવાદમાં સુલતાન ગેંગનો કુખ્યાત સાગરીત બકુખાન રાજસ્થાનથી ઝડપાયો, તાજેતરમાંજ તેની કરોડોની પ્રોપર્ટી પર AMCએ બુલડોઝર ફેરવ્યું હતું

મંગળવાર, 15 જૂન 2021 (20:26 IST)
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે જમીનો પચાવી પાડવા, ગેરકાયદે જમીનો પર કબજો કરવો તથા ગુજસીટોક જેવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીની રાજસ્થાનના જોધપુરમાંથી ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી બક સૈયદ ઉર્ફે બકુખાન પઠાણ પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી છે. તેણે અનેક જમીનો પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. તે વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે બકુખાન રાજસ્થાનમાં છુપાયો છે. અગાઉ તે પોલીસ પકડથી દુર રહેવા માટે રાજસ્થાનમાં માઉન્ટ આબુ, શિરોહી, પાલી જોધપુર અનેક વિસ્તારોમાં એક સપ્તાહ સુધી રહેતો હતો. ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટતો હતો. તે પોતાના પરિવારની સાથે સંપર્કમાં રહેવા માટે વોટ્સએપના માધ્યમનો ઉપયોગ કરતો હતો. બહાર રહેવા માટે પૈસાની જરૂર ઉભી થતાં તે ઓનલાઈન એપ્લિકેશનથી ઘરેથી રૂપિયા મંગાવતો હતો.  બકૂખાન પઠાણ વિરુદ્ધ અગાઉ પણ અસલાલી શાહપુર અને કારંજ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયા ચૂક્યા છે. ત્યારે વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગે તપાસ માટે આરોપીને સોંપવામાં આવશે. હાલમાં ગુજસીટોક અને ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાના ગુનામાં ACP વી જી પટેલ તપાસ કરી રહ્યા હોવાથી બકુ ખાન પઠાણને સોંપવામાં આવશે.

સુલતાન ગેંગના અનેક સાગરીતોની પોલીસ અગાઉ ધરપકડ કરી ચૂકી છે. અમદાવાદ પોલીસ તથા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જુહાપુરાનાં ફતેહવાડી વિસ્તારમાં આવેલા કુખ્યાત બકુ ખાન ઉર્ફે બક સૈયદની 7 દુકાનો તેમજ ઘર તોડી પાડ્યા હતા. કુખ્યાત બકુ ખાન પર લોકોને ધાક ધમકી તથા ડરાવીને કરોડો રૂપિયાની મિલકત પડાવી લીધાનો આરોપ છે. જેથી તેની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તે ઉપરાંત વહાબ ગેંગના મુખ્ય સુત્રધાર નઝીર વોરાની ગેરકાયદે 10થી 15 કરોડની પ્રોપર્ટી તોડી પાડી હતી. તેની સાથે કાળુ ગરદન તરીકે ઓળખાતા કુખ્યાતનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર