સુરતમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકા દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકીની બાજુમાં બેસીને શિક્ષિકા દ્વારા તેને ભણાવવાને બદલે સતત પીઠ પર માર મારવામાં આવે છે. શિક્ષિકા એટલી ક્રૂરતાથી મારી રહી છે કે જાણે તેને બાળકો પ્રત્યે કોઈ જ લાગણી ન હોય. આ સમગ્ર ઘટના સાધના નિકેતન સ્કૂલની છે અને સ્કૂલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
જેમાં શિક્ષિકા માસૂમ બાળકીને પીઠ પર 35 અને ગાલ પર 2 તમાચા મારતી જોવા મળે છે.સાધના નિકેતન સ્કૂલના વર્ગખંડના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં કેજીમાં ભણતી માસૂમ વિદ્યાર્થિનીને હાથથી એક બાદ એક પીઠ પર ઝાપટ મારવામાં આવતી હોવાનું સ્પષ્ટ દેખાઇ છે. પીઠ પર સતત 35 જેટલી વખત શિક્ષિકા માસૂમ બાળકીને માર મારે છે. તેમજ ગાલ ઉપર બે તમાચા મારવામાં આવ્યા હતા. ચાર વર્ષની માસુમ ઉપર જશોદા નામની આ ટીચરે એટલો માર માર્યો હતો કે, બાળકીનો આખી પીઠ લાલ થઈ ગઈ હતી. બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી જ્યારે સ્કૂલેથી ઘરે આવી ત્યારે યુનિફોર્મ બદલતી વખતે મારી પત્નીએ જોયું કે, તેની પીઠ પર લાલ ચાઠા ઉપસી આવ્યા છે, આથી દીકરીને પૂછતા તેણે કહ્યું કે, મને ટીચરે માર માર્યો છે. આથી અમે સ્કૂલ પહોંચ્યા ત્યારે સ્કૂલ બંધ થઈ ગઈ હતી. બાદમાં ફરીથી ગયા ત્યારે પ્રિન્સિપાલને મળ્યા અને અમારી સામે સીસીટીવી બતાવવા અમે કહ્યું હતું. સીસીટીવીમાં જોયું તો શિક્ષિકા દ્વારા 35થી વધુ વખત મારી દીકરીની પીઠ પર હાથથી માર મારવામાં આવ્યો હતો. જેને કારણે તેની પીઠ ઉપર લાલ ચાઠા ઉપસી આવ્યા હતા. આ બાબતે કાપોદ્રા પોલીસને પણ જાણ કરી છે.