અમદાવાદમાં ઝેરોક્સની દુકાનમાંથી ક્રાઈમ બ્રાંચે ભારત પાકિસ્તાન મેચની નકલી ટીકિટો ઝડપી, ચારની ધરપકડ

બુધવાર, 11 ઑક્ટોબર 2023 (13:12 IST)
world cup match

 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમમાં આગામી 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે. આ મેચને લઈને ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે મેચની ટીકિટોના કાળા બજાર પણ શરૂ થઈ ગયાં છે. શહેરમાં આ મેચની ટીકિટોના કાળાબજારી કરતાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખાનગી બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને 108 ડુપ્લીકેટ ટિકિટો જપ્ત કરી છે.  

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ખાનગી બાતમીને આધારે બોડકદેવમાં સ્થિત ક્રિષ્ણા ઝેરોક્સ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાથી 108 જેટલી ડુપ્લીકેટ ટીકિટો જપ્ત કરી લીધી હતી. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સાથે જ ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેજ પણ કબ્જે કર્યા છે. 1 પેજ પર 3 ટિકિટની કલરની પ્રિન્ટ બનાવવામાં આવી હતી. મેચની ટિકિટ વેચાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે આ ટિકિટોને ઝડપી પાડી હતી. મહત્ત્વપૂર્ણ છે કે ઝેરોક્ષની દુકાનમાં 2000ના દરની બોગસ ટિકિટો બનાવવામાં આવી હતી. પકડાયેલ આરોપીઓ પૈકી કુશ મીણા ક્રિષ્ના ઝેરોક્ષ નામની દુકાન ધરાવે છે.

આરોપી જયમીન પ્રજાપતિ તથા રાજવીર ઠાકોર મહેસાણાની એક વ્યક્તિ પાસેથી અસલ ટીકીટ મેળવી તેના આધારે નકલી ટિકીટો બનાવી વેચવા માટે કુશ મીણા અને ધ્રુવીલ ઠાકોરનો સંપર્ક કર્યો હતો. ચારેય આરોપીઓએ નકલી ટીકીટો બનાવવા કલર પ્રિન્ટર ખરીદ કરેલ બાદ કુશ મીણાએ કોમ્પ્યુટરમાં ફોટોશોપ સોફ્ટવેરમાં આબેહુબ ટિકીટ બનાવી પ્રિન્ટો કાઢી આપી હતી. ધ્રુવીલ ઠાકોર તથા જયીન પ્રજાપતિ અને રાજવીર ઠાકોર ત્રણેય ભેગા મળી તેમના મિત્રો મારફતે 40 જેટલી ટિકીટો વેચી દીધી હતી.જેથી ટિકીટો માટે ડીમાન્ડ વધતા વધુને વધુ ટિકીટો બનાવવા લાગ્યા હતાં. આરોપીઓ પોતાના મોજશોખ પુરા પાડવા માટે નકલી ટીકીટો બનાવી જુદા જુદા ખરીદનાર પ્રમાણે રૂ.૨૦૦૦/- થી રૂ.૨૦,૦૦૦/- થી વધુની કિંમતે વેચાણ કરી રૂપિયા મેળવવાનુ નક્કી કરેલ હતુ. પકડાયેલ આરોપીઓએ હજુ વધારે ટિકીટો વેચાણ કરેલ હોવાની શક્યતા છે તેમજ આ ટિકીટો અસામાજિક તત્વો અથવા કાળા બજારી કરતા વ્યક્તિઓએ ખરીદ કરેલ હોવાની શક્યતા હોય જેથી વધુ સઘન તપાસ તજવીજ હાથ ધરવમાં આવેલ છે. પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર