ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંક શુક્રવાર, 9 ડિસેમ્બર, 2022ના રોજ દેશવ્યાપી રક્તદાન અભિયાનયોજવા જઈ રહી છે. આ વાર્ષિક અભિયાન એચડીએફસી બેંકના પ્રમુખ સીએસઆર કાર્યક્રમ #પરિવર્તન હેઠળની તેની અગ્રણી હેલ્થકૅર પહેલ છે. આ પહેલના 14મા વર્ષે ભારતના 1,150 શહેરોમાં 5,500 કેન્દ્રો ખાતે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવશે. તેમાં મોટા કૉર્પોરેટ્સ, કૉલેજો અને બેંકની શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વર્ષે આ અભિયાનમાં 4.5 લાખથી વધારે રક્તદાતાઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ટેકનિકલ અને સંચાલન સંબંધિત સહાય મેળવવા માટે બેંકે આ શહેરોમાં આવેલી હોસ્પિટલો, બ્લડ બેંકો અને કૉલેજો સાથે જોડાણ કર્યું છે. સમગ્ર દેશમાં આવેલી 1,200 વધુ કૉલેજોને રક્તદાનનું કેન્દ્ર આપવામાં આવ્યું છે.
એચડીએફસી બેંકના ઓપરેશન્સના ગ્રૂપ હેડ ભાવેશ ઝવેરીએ જણાવ્યું હતું કે, આ અમારા રક્તદાન અભિયાનનું 14મું વર્ષ છે અને તે એક એવી પહેલ છે, જેને વર્ષ 2007થી યોજી અમે ગર્વ અનુભવીએ છીએ. તબીબી કાળજીનો આધાર દાતાઓ તરફથી પ્રાપ્ત થયેલા લોહીના સ્થિર પુરવઠા પર રહેલો છે, કારણ કે હોસ્પિટલમાં દાખલ થતી દર 7માંથી 1 વ્યક્તિને લોહીની જરૂર પડે છે.
તબીબી વ્યાવસાયિકોએ એ વાતની પુષ્ટી કરી છે કે, જો કોવિડની અને અન્ય સાવચેતીઓ રાખવામાં આવે તો રક્તદાન કરવું એ ખૂબ જ સલામત છે. તો ચાલો, શુક્રવાર 9 ડિસેમ્બરના રોજ તમારી નજીકમાં આવેલી રક્તદાન શિબિરમાં રક્તદાન કરી આપણી આસપાસના સમુદાયોના અનેક લોકોના જીવનમાં વાસ્તવિક તફાવત લાવવા માટે આપણે આપણી નાનકડી જવાબદારી નિભાવીએ.
એચડીએફસી બેંકના બિઝનેસ, ફાઇનાન્સ અને સ્ટ્રેટેજી, એડમિનિસ્ટ્રેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇએસજી અને સીએસઆરના ગ્રૂપ હેડ આશિમા ભટે જણાવ્યું હતું કે, એચડીએફસી બેંકની પહેલ #પરિવર્તન સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ છે. ભારતવ્યાપી રક્તદાન શિબિર એ આ દિશામાં અમારો નિષ્ઠાવાન પ્રયત્ન છે અને તેનું લક્ષ્ય રક્તદાનના મહત્ત્વ અંગે જાગૃતિ પેદા કરવાનું છે. લોહીનું એક યુનિટ ત્રણ લોકોના જીવ બચાવી શકે છે. રક્તદાનથી લાખો લોકોના જીવ બચાવી શકાય છે અને દેશની નવી પેઢી આવનારા વર્ષોમાં આ સંદેશને આગળ વધારે તે ખૂબ જ જરૂરી છે. આ પહેલને ખૂબ જ મોટી સફળતા અપાવવા માટે સમયાંતરે આ પહેલની સાથે જોડાનારા તમામ લોકોને હું મારા અંતઃકરણથી શુભેચ્છા પાઠવવા માંગું છું.
વર્ષ 2013માં સૌથી મોટા રક્તદાન અભિયાન (એકથી વધુ સ્થળે આયોજિત એકદિવસીય રક્તદાન અભિયાન) તરીકે તેને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સTM દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ હતી અને તેને પ્રમાણિત કરવામાં આવ્યું હતું. આ પહેલ ફક્ત 88 કેન્દ્રો અને 4000 દાતાઓની સાથે વર્ષ 2007માં શરૂ થઈ હતી.