અમદાવાદમાં વાંદરાએ પીછો કરીને બાળકને બચકું ભર્યું, ભારે જહેમત બાદ પાંજરે પુરાયો

Webdunia
મંગળવાર, 9 જુલાઈ 2024 (17:45 IST)
monkey
 શહેરમાં વાંદરાઓનો આતંક વધી રહ્યો છે.શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વાંદરાએ બચકું ભર્યાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે.ગત બુધવારે સાંજે વસ્ત્રાલની શ્રીધર સ્પર્શ નામની સોસાયટીમાં જ્યારે બાળકો નીચે રમી રહ્યા હતા. ત્યારે અચાનક જ એક વાંદરો આવ્યો હતો, જેને જોઈ બાળકો ડરી ગયા હતા અને ભાગવા લાગ્યા હતા. 15 વર્ષનો એક બાળક ભાગ્યો હતો અને તેની પાછળ વાંદરો પડ્યો હતો. બાળક પડી જતા તેના પગે બચકું ભરીને માંસનો લોચો કાઢી નાખ્યો હતો. બાળક પર કરેલા હુમલાની સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 
 
વાંદરાએ બાળકના પગમાં બચકું ભર્યું હતું
બુધવારે સાંજે વસ્ત્રાલ વિસ્તારમાં શ્રીધર સ્પર્શ ફ્લેટમાં પાંચથી સાત જેટલા બાળકો ફ્લેટની નીચે રમી રહ્યા હતા. ત્યારે અચાનક જ એક વાંદરો આવ્યો હતો, જેને જોઈને બાળકો આમતેમ ભાગવા લાગ્યા હતા. 15 વર્ષનો એક બાળક દોડી અને સીધો પાર્કિંગમાં ગયો હતો. વાંદરો બાળકને જોઈ તેની તરફ ભાગ્યો હતો. બાળક પાર્કિંગમાંથી બહાર નીકળ્યો ત્યારે તે પડી ગયો હતો અને વાંદરાએ તેને પગમાં બચકું ભર્યું હતું. જે બાદ છોકરાએ હિંમત કરી તેને ભગાડ્યો હતો. બાળકને ઈજા થઈ હતી છતાં તે ઊભો થઈ અને વાંદરાના ડરથી ત્યાંથી ભાગવું પડ્યું હતું. બાળકને પગમાં ઈજા થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.
 
4 કલાકની ભારે જહેમત બાદ પાંજરે પુરાયો
સ્થાનિક લોકો દ્વારા વસ્ત્રાલ વોર્ડના ભાજપના કોર્પોરેટર પરેશ પટેલને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી અને ફરિયાદ કરવામાં આવી હતી. તેથી તેઓએ વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝુ વિભાગને જાણ કરી હતી. જેથી ટીમ આવી હતી અને 3થી 4 કલાકની ભારે જહેમત બાદ આ આતંક ફેલાવનાર વાંદરા અને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. વાંદરાને પકડી લેતા છેલ્લા એક અઠવાડિયાથી વસ્ત્રાલ વિસ્તારના રહીશો વાંદરાથી ભયમાં જીવતા હતા તેમાંથી તેઓને મુક્તિ મળી છે.છેલ્લા એક અઠવાડિયામાં 10 જેટલા લોકોને વાંદરાએ બચકા ભર્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article