અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિકાસગૃહમાં આજે વહેલી સવારે મંદબુદ્ધિની એક ગર્ભવતી મહિલાને ટોઇલેટમાં જ ડિલિવરી થઈ જતાં બાળક કમોડમાં ફસાઈ ગયું હતું. તાજું જન્મેલું બાળક ટોઇલેટના કમોડમાં ફસાઈ જતાં ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. નવરંગપુરાની ઇમર્જન્સી રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને બાળકની પરિસ્થિતિ જોતાં મણિનગર ઈમર્જન્સી રેસ્ક્યૂ ટીમને પણ બોલાવવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ નવજાત બાળકનો જીવ બચાવ્યો છે.
ટાઈલ્સ તોડીને ધીરેથી બાળકને બહાર કાઢ્યુ
બાળકનું મોઢું કમોડમાં ફસાઈ ગયું હતું અને બાળકને બચાવવા તાત્કાલિક તેને રેસ્ક્યૂ કરવાની કામગીરી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ બાળકને કોઇ ઇજા ન થાય એનું ખાસ ધ્યાન રાખી સૌથી પહેલા ટોઇલેટમાં આસપાસની ટાઇલ્સ તોડવાની શરૂ કરી હતી. આસપાસની ટાઈલ્સને તોડીને બાળકને બહાર કાઢી લીધું હતું.
બાળક હવામાં હતું અને તેનું મોઢું હજી પણ અંદર ફસાયેલું હોવાથી તેને બહાર કાઢવા માટે પાઇપની સાથેનું તેનું જોડાણ દૂર કરવામાં આવ્યું હતું. બાદમાં ધીમે ધીમે કમોડનો ભાગ તોડીને બાળકને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમે માત્ર 25 મિનિટની અંદર બાળકનું રેસ્ક્યૂ કરીને 108 એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. સદનસીબે બાળકને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી.