એટ્રોસિટીની ફરિયાદોમાં મંજૂરી વિના આરોપીની અટકાયત ન કરવા પરિપત્ર

Webdunia
ગુરુવાર, 19 એપ્રિલ 2018 (13:57 IST)
સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે એટ્રોસિટી એક્ટની હળવી થયેલી જોગવાઈઓનો અમલ ગુજરાતમાં થઈ ચૂક્યો છે. રાજ્યમાં એક પછી એક તમામ જિલ્લા પોલીસ અધિક્ષકો પોતાના તાબા હેઠળના પોલીસસ્ટેશનોમાં એટ્રોસિટીની ફરિયાદોમાં મંજૂરી વગર આરોપીની અટકાયત ન કરવા પરિપત્રો કરી રહ્યા છે. ભરૂચ પોલીસ અધિક્ષક સંદીપસિંહે પોતાના જિલ્લાના તમામ થાણા અધિકારીઓને એટ્રોસિટી એક્ટ હેઠળના આરોપીઓની અટકાયતની કાર્યવાહીને લઈને પરિપત્ર દ્વારા આદેશો કર્યા છે. જેમાં ૨૦મી માર્ચે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ટાંકીને એટ્રોસિટી એક્ટ હેઠળની કાર્યવાહીમાં નિર્દોષ નાગરિકોની સંડોવણી ન થાય તે માટે આવી ફરિયાદોમાં પહેલાં તો ૭ દિવસની સમય- મર્યાદામાં પ્રાથમિક ઇન્કવાયરી પૂર્ણ કર્યા બાદ જ આગળ વધવા કહેવાયું છે. એટલું જ નહીં એટ્રોસિટીના ગુનામાં કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આવી વ્યક્તિ જાહેર સેવક (સરકારી અધિકારી કે કર્મચારી) હોય તો તને નોકરી આપનાર સત્તા પરવાનગી આપે પછી જ અટકાયત કરવાની રહેશે. આરોપી જાહેર સેવક ન હોય તો પણ તપાસકર્તા અધિકારીએ બાકાયદા દરખાસ્ત કરીને મંજૂરી મેળવવી પડશે. આવી દરખાસ્ત મળ્યા પછી જ આરોપીની અટકાયત થઈ શકશે. એટ્રોસીટી એક્ટને પડકારતી પિટિશનના સંદર્ભમાં સુપ્રીમકોર્ટે તેની જોગવાઈઓ હળવી બનાવતો ચુકાદો આપતા જ દેશભરમાં દલિતો સંગઠનો અને નેતાઓનો રોષ ફાટી નીકળ્યો હતો. મોટાપાયે બંધનું એલાન આપાવમાં આવેલું જેના પગલે સરકારે રિવ્યૂ પિટિશન ફાઈલ કરી. જો કે, સુપ્રીમકોર્ટે પોતાનો ચૂકાદો સુધારવાનો કે સ્ટે આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. ૨૦મી માર્ચે સુપ્રીમના ચૂકાદા બાદ દેશભરમાં દલિતો, આદિવાસીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. ખુદ ભાજપના નેતાઓ જ એટ્રોસિટી એક્ટમાં ફેરફાર સામે નારાજગી દર્શાવી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

Next Article