જય શાહના સંપત્તિ વધારાની ચર્ચા શા માટે નહીં? : રિટ દ્વારા રજૂઆત
ગુરુવાર, 19 એપ્રિલ 2018 (12:11 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની સંપત્તિના વધારા મુદ્દ ચર્ચા ન કરવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ મુદે આજે હાઈકોર્ટમાં રિટ કરાઈ હતી કે વાણીસ્વાતંત્ર્યએ મૂળભૂત અધિકાર હોવાથી આ મુદ્દે ચર્ચા પર રોક શા માટે લગાવવામાં આવી છે. હાઈકોર્ટે આ મુદ્દાની સુનાવણી કાલ એટલે કે ૧૯મી એપ્રિલ પર મુલતવી રાખી છે. દલિતો અને આદિવાસીઓ માટે કામ કરતા ગુજરાતના એક આદિવાસી કાર્યકર રાજેશ ભાભોરે રજૂઆત કરી હતી કે તેઓ દેશના ઘણાં રાજ્યોના આદિવાસીઓ માટે કામ કરે છે. હાલ કર્ણાટકમાં ચૂંટણી હોવાથી ત્યાંના આદિવાસી યુવકો ગુજરાતની પરિસ્થિતિ વિશે પૃચ્છા કરી રહ્યા છે. જેથી ભાજપને મત અપાય કે નહીં તે બાબતે નિર્ણય લઈ શકાય. ભાજપને મત આપવાથી રાજ્યની સ્થિતિ કેવી થશે તે મુદ્દો આદિવાસી યુવકો જાણવા માગતા હતા. આ યુવકોએ ગુજરાતના દલિત અને આદિવાસીઓના વાણી સ્વાતંત્ર્ય વિશે પૂછપરછ કરી હતી. તે દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહના સંપત્તિ વધારા મુદ્દે હાઈકોર્ટે આપેલા ચુકાદાની ચર્ચા અને પઠન પર મનાઈ છે. ભાજપને કર્ણાટકમાં મત આપવો જોઈએ કે નહીં તે મુદ્દે ચર્ચા થતી હોય ત્યારે આ સંપત્તિ વધારાના મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ. આ પ્રકારની ચર્ચા પર રોક એ વાણીસ્વાતંત્ર્યના મૂળભૂત અધિકાર પર તરાપ સમાન છે. કોર્ટે આ મુદ્દે પ્રથમદર્શી તરીકે એવું તારણ રજૂ કર્યુ હતું કે આ મુદ્દે ચર્ચા શા માટે ન થવી જોઈએ? કારણ કે અભિવ્યક્તિએ તમામ નાગરિકોનો અધિકાર છે. કોર્ટે એવું અવલોકન પણ કર્યુ હતું કે જય શાહે પોતાની બદનામીનો દાવો કર્યો હતો તે અંગે તેમને પણ રજૂઆતની એક તક આપવી જોઈએ. જય શાહની સંપત્તિના વધારા અંગે ચર્ચા શા માટે ન થવા દેવી તે મુદ્દે આવતીકાલે એટલે કે ૧૯મી તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે.