ભ્રષ્ટાચાર મુદ્દે લાલઘૂમ થયેલા સીએમ રુપાણીની કલેકટર અને ડીડીઓને ચીમકી

ગુરુવાર, 19 એપ્રિલ 2018 (00:41 IST)
હાલ રાજ્ય સરકાર બેફામ વધી રહેલા ભ્રષ્ટાચાર અને પાણીની ગંભીર કટોકટીને લઈને  લોકોમાં વધી રહેલા રોષને પગલે સરકાર રહી રહીને જાગી છે. આ અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર મુદ્દે લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે ડીડીઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે, પ્રમાણિક ઈરાદો ચાલશે પણ મેલાફાઈડ નહીં ચાલે. આ ઉપરાંત રૂપાણીએ પ્રજાહિતના લોક કલ્યાણના કામોમાં પ્રજાભિમુખતાથી સેવા દાયિત્વ નિભાવવા આહવાન કર્યું છે.

તેમણે સ્પષ્ટ પણે તાકીદ કરી કે જિલ્લામાં ઓછામાં ઓછા બે દિવસ સાઈટ વિઝીટ કરી વાસ્તવિક પરિસ્થિતિથી સતત માહિતગાર રહેવું આવશ્યક છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત કેડરની કાર્યદક્ષતા ગુડ ગવર્નન્સ છબિની પરંપરા જિલ્લા કલેક્ટર્સ અને વિકાસ અધિકારીઓ સતત આગળ ધપાવશે. તેમણે જણાવ્યું હતું કે સાચી વ્યક્તિ કે નાનો માણસ દુઃખી ન થાય તથા પોતાના કામ માટે એક પાઇ પણ ન આપવી પડે તેવો પારદર્શી અને સંવેદનશીલ અભિગમ અપનાવી જિલ્લા સરકાર તરીકે કાર્યરત રહી સરકારની પ્રતિષ્ઠા  બનાવો. રૂપાણીએ વધુમાં કહ્યું કે બોનફાઇડ ઇન્ટેશનથી થયેલી ભૂલ કે ક્ષતિ માટે સરકાર તમારી પડખે છે, પરંતુ મેલાફાઇડ ઇન્ટેશનને ક્યારેય સાંખી લેવાશે નહીં. આગામી દિવસોમાં સરકાર ભ્રષ્ટાચાર સામે સીધો જંગ કરશે.મુખ્યમંત્રીએ જાહેર કર્યું કે, આ પ્રકારની જિલ્લા કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓની બેઠક દર 4 મહિને મળશે અને દર બેઠકમાં વિવિધ વિકાસ તેમજ પ્રજા હિત કામો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. તેમજ જિલ્લાઓના વિવિધ ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર