ગુજરાતમાં ગણપતિ બાપ્પાની ધામઘૂમથી પૂજા અર્ચના કરવામાં આવી, જાણો રાજ્યના મુખ્ય શહેરોમાં કેવી છે ઉજવણી

Webdunia
શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (18:08 IST)
10 સપ્ટેમ્બર એટલે આજથી ગણેશચતુર્થી સાથે જ 10 દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. દર મહિને બે ચતુર્થી આવે છે, પરંતુ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથના રોજ ભગવાન ગણેશનો જન્મ થયો હતો, એટલે બધી ચતુર્થીઓમાં ગણેશની આરાધના માટે આ સૌથી મોટી તિથિ છે. ઘરમાં ગણપતિની સ્થાપના શુભના આગમન અને અશુભના વિનાશ માટે થાય છે. કહેવાય છે કે ગણેશચતુર્થીએ ઘરમાં સ્થાપિત ગણેશને જ્યારે 10 દિવસ પછી વિસર્જિત કરવામાં આવે છે ત્યારે તેઓ પોતાની સાથે જ બધી નકારાત્મકતા પણ લઈ જાય છે.
 
અમદાવાદમાં ગણેશ ચતુર્થીની ઉજવણી
 
આજથી ગણેશ ચતુર્થીના પાવન પર્વની ઉજવણી શરૂ થઈ છે. આજે ઘરે ઘરે તેમજ સાર્વજનિક મંડપ-પંડાલમાં ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી રહી છે. બજારમાં ગણેશ ભગવાનની માટીની મૂર્તિઓ લાવી ઘરે લોકો સ્થાપના કરતા હોય છે પરંતુ અમદાવાદમાં પોલીસકર્મીના પરિવારે ઘરે મેંદાના લોટ અને હળદરના ગણપતિ બનાવ્યા છે. અમદાવાદના ઝોન 1 ડીસીપી ઓફિસમાં ફરજ બજાવતા અને બાપુનગરમાં રહેતા મનીષ બ્રહ્મભટ્ટની પત્ની કોમલ અને દીકરી યશવીએ ઘરે 500 ગ્રામ હળદર અને 1 કિલોથી વધુ મેંદાનો લોટથી બેથી ત્રણ કલાકની મહેનતથી ઘરે જ ગણેશની મૂર્તિ બનાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે અમે આ વર્ષે ઘરે જ ગણેશની મૂર્તિ બનાવવાનું વિચાર્યુ હતું અને દીકરીએ મદદ કરી આ મૂર્તિ બનાવી આજે ગણેશની સ્થાપના કરી છે.
 
સુરતમાં ગણેશ ચતુર્થીની ઉજવણી
આજથી શરૂ થતાં "ગણેશ ચતુર્થી"ના પાવનકારી પર્વની ઉજવણી ને લઈ ગણેશ ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોઈ ઉટ ગાડીમાં તો કોઈ પાલખીમાં ગણેશજીની પ્રતિમા ને ઢોલ નગારા અને DJ ના ગીત ઉપર નાચતે-ગાજતે મંડપ સુધી લાવી રહ્યા છે. ત્યારે મજુરાગેટ કૈલાશ નગર ના એક ગણેશ મંડળ દ્વારા શ્રીજી ની પ્રતિમા ને ઇલેક્ટ્રોનિક લકઝરી કારમાં સાહિ સવારી સાથે ની ઉત્સવ યાત્રા કાઢવામાં આવતા આકર્ષણ નુ કેન્દ્ર બન્યા છે. મંડળ ના ભક્તોનું કહેવું છે કે માહામારી ના બે વર્ષ બાદ બાપ્પાની 10 દિવસની પૂજા અર્ચના બાદ કોરોના નાબૂદ થશે, દરેક ભક્તો બાપ્પા ની સવાર-સાજની આરતીમાં દેશને કોરોના મુક્ત બનાવવા પ્રાર્થના કરશે. વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી નો આ ઉત્સવ, દરેક પ્રકારના વિધ્નો-સંકટો દૂર કરી દરેક ના જીવનને પ્રગતિશીલ, સુખી અને સમૃદ્ધ બનાવે એવી જ અમે પ્રાર્થના કરીશું.
 
રાજકોટમાં ગણેશચતૂર્થીની ઉજવણી
રાજકોટ શહેરમાં નાનામોટા 300 જેટલા ગણપતિ મહોત્સવના આયોજનમાં  વિધિવત સ્થાપન કરવામાં આવ્યું છે જેમાં વાજતે ગાજતે રાજકોટવાસીઓએ વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરી લોકોના દુઃખ દર્દ અને વિઘ્ન દૂર કરી સમાજમાં શાંતિ અને સમૃધ્ધિ આવે તે માટે પ્રાર્થના કરી છે..
 
રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી બાદ ગણેશ ઉત્સવ ઉજવવા માટે નિયમોને આધીન મંજુરી આપતા આજે ઠેર ઠેર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે મહત્તમ 4 ફૂટ સુધી મૂર્તિ માટે છૂટ આપતા 1 ફૂટ થી લઇ 4 ફૂટ સુધી અલગ અલગ મૂર્તિ સ્થાપન કરવામાં આવ્યું છે. આજે રાજકોટમાં વર્ષો થી ત્રિકોણ બાગ ખાતે થતા સાર્વજનિક ત્રિકોણ બાગ કા રાજા , રાજકોટ કા રાજા , સર્વેશ્વર ચોક કા રાજા સહીત નાના મોટા 300 જેટલા ગણેશ મહોત્સવના આયોજન કરવામાં આવ્યા છે જેમાં 10 દિવસ બાપાની પૂજા અર્ચના કરી ગુજરાત દેશ અને દુનિયામાંથી કોરોના નામનો વાયરસ દૂર થાય તે માટે પ્રાર્થના કરવામાં આવશે.
 
આ ઉપરાંત ઘર , ઓફિસ , સોસાયટી અને એપાર્ટમેન્ટમાં કુલ 3 , 5 અને 7 દિવસ માટે વિધ વિવિધ વિસ્તારમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article