ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં થયેલા વરસાદથી પોરબંદર અને દ્વારકામાં પુરની સ્થિતિ ઉભી થઈ હતી. જૂનાગઢના ધેડ પંથકમાં પુરને કારણે અનેક ગામડા બેટમાં ફેરવાયા હતાં અને ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું.પૂરની સમસ્યાથી ત્રસ્ત ખેડૂતો આજે કિસાન કોંગ્રેસની સાથે જૂનાગઢ કલેકટર કચેરીએ જઈને આ વર્ષે થયેલા નુકસાનની ભરપાઈ માટે રાહત પેકેજ જાહેર કરવા તેમજ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ માટે પણ રજૂઆત કરવામાં આવી છે. કિસાન કોંગ્રેસ દ્વારા ઘેડ પંથકની આ સમસ્યાના ઉકેલ માટે સરકારને આઠ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.આજે જૂનાગઢ કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોએ દુહો ગાઈ પોતાની આપવીતી વર્ણવી હતી.
આઠ દિવસમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલન
ગુજરાત કિસાન કોંગ્રેસની સાથે ઘેડ પંથકના હજારો ખેડૂતો આજે જૂનાગઢ કલેકટર કચેરી પર રજૂઆત માટે પહોંચ્યા હતા. ઘેડ પંથકની સમસ્યાના ઉકેલ માટે ઘેડ વિકાસ નિગમની રચના કરવા, દરેક બજેટમાં ઘેડ પંથક માટે અલગ બજેટ ફાળવવું, ઘેડના પૂરના પ્રશ્નનો કાયમી ઉકેલા લાવવા અને આ વર્ષે થયેલી નુકસાનીની ભરપાઈ માટે 500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવાની માગ કરવામાં આવી છે. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ કહ્યું હતું કે અમારા દ્વારા જે ચાર મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે. એમાં બે મુદ્દા નીતિવિષયક હોઈ, સરકારને બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે, અન્ય બે મુદ્દાનો જો આઠ દિવસમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે.
શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે રાજ્યસભામાં આજે ઘેડ પંથકની વાત મૂકતા ભાજપ અને કોંગ્રેસ ઘેડ પ્રદેશ અંગે આમને સામને આવી ગયા છે. શકિતસિંહ ગોહિલે રાજ્યસભામાં ઘેડ પંથકની વાત કરતાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે લોકોના મોત થયા છે. લોકોનું જીવન અને ખેડૂતોનો પાક પ્રભાવિત થયો છે. જેની પાછળનું કારણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર હોવાનું કહીને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, વરસાદ પૂર્વે ડ્રેનેજનું જે કામ થવું જોઈએ તે યોગ્ય રીતે થતુ નથી.દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં ભારે વરસાદમાં પ્રભાવિત વ્યક્તિ માટે કઇ થતું નથી.