વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના બે ધારાસભ્યો થયા શર્ટલેસ, ભાજપે કરી કાર્યવાહીની માંગ

Webdunia
શુક્રવાર, 25 માર્ચ 2022 (19:05 IST)
ગુજરાતમાં શાસક ભાજપે શુક્રવારે ખેડૂતોને અપૂરતી વીજ પુરવઠાના મુદ્દે વિરોધના ભાગરૂપે રાજ્ય વિધાનસભાના પ્રવેશદ્વારની બહાર તેમના શર્ટ ઉતારનારા કોંગ્રેસના બે ધારાસભ્યો સામે પગલાં લેવાની માંગ કરી હતી. ઓછામાં ઓછા 15 કોંગ્રેસના ધારાસભ્યો ખેડૂતોને પૂરતી વીજળી આપવા માટે વિધાનસભા બિલ્ડિંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે લગભગ 10 મિનિટ સુધી ધરણા પર બેઠા હતા, જે દરમિયાન ધારાસભ્યો વિમલ ચુડાસમા અને લલિત વસોયાએ તેમના શર્ટ ઉતાર્યા હતા.
 
ટ્રેઝરી બેન્ચે પ્રશ્નકાળ બાદ વિધાનસભામાં વાંધો ઉઠાવ્યો હતો, જેના પગલે સ્પીકર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે તે આગામી દિવસોમાં તે ઘટનાની વીડિયો ક્લિપના માધ્યમથી ફેંસલો સંભળાવશે, જે સદનની બેઠકની થોડી ક્ષણો પહેલાં  સવારે 10 વાગ્યે થઇ હતી. પત્રકારો સાથેની વાતચીતમાં ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ખેડૂતોને પુરતી વીજળી મળી રહી હોવાના ઊંચા દાવા કરે છે, પરંતુ ગુજરાતના મોટાભાગના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી મળતી નથી તે વાત સાચી છે. આ મહત્વના મુદ્દા તરફ સરકારનું ધ્યાન દોરવા અમે અહીં વિરોધ કરી રહ્યા છીએ.
 
પ્રશ્નકાળ પછી ચીફ વ્હીપ પંકજ દેસાઈએ ચુડાસમા અને વસોયાના "શર્ટલેસ" વિરોધ સામે વાંધો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે વિધાનસભાની આસપાસના નિયમો મુજબ આવા કોઈ વિરોધને મંજૂરી નથી. દેસાઈએ સ્પીકરને જરૂરી પગલાં લેવા વિનંતી કરી અને આવા વિરોધ માટે વિરોધ પક્ષને ઠપકો આપ્યો.
 
દેસાઈની માંગને સમર્થન કરતાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યોએ મહિલા પોલીસ કર્મચારીઓ, ધારાસભ્યો અને સરકારી અધિકારીઓની સામે તેમના કપડાં ઉતારવાનું ટાળવું જોઈએ. તેમના બચાવમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ દાવો કર્યો હતો કે ભાજપે ભૂતકાળમાં પોતાના રાજકીય હેતુ માટે વિધાનસભા સંકુલનો ઉપયોગ કર્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article