ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના સરદાર પટેલ માટેના દંભી અને જુઠ્ઠાં પ્રેમને પડકારતા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ડૉ. હિમાંશુભાઈ પટેલે જણાવ્યું છે કે, અમદાવાદમાં આવેલાં સરદાર પટેલના રાષ્ટ્રીય સ્મારકનું ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ નામોનિશાન મિટાવી દીધું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં કોંગ્રેસના કોઈ નેતાઓ આવતા નહીં હોવાના ભાજપના પ્રદેશ પ્રમુખના નિવેદનને પડકારતા સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે ભાજપના કેટલા નેતાઓએ મુલાકાત લીધી તેની વિગતો આપવા જણાવ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખે સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં કોંગ્રેસના કોઈ નેતાઓ આવતા નહીં હોવાનું જણાવી રાજકીય મુર્ખામીનું પ્રદર્શન કર્યું છે. ભાજપ અને નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને ભૂંસી નાંખવા માટેની ઘેલછામાં લોખંડી પુરુષ સરદાર પટેલનો ચૂંટણીલક્ષી રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશની એકતા અને અખંડિતતાના મિશાલ સમાન સરદાર પટેલની દૃષ્ટિથી વિરુદ્ધ વિભાજન અને વિનાશનું કામ કરતા ભાજપ સરકાર દ્વારા અમદાવાદમાં આવેલાં સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટીમાં ગ્રાન્ટ અને મેન્ટેનન્સ આપવાનું બંધ કરી પોતાની માનસિકતા છતી કરી છે. આ સ્મારકમાં દિલ્હી કે દેશના અન્ય રાજ્યોમાંથી આવતા ભાજપના કેટલા નેતાઓએ એરપોર્ટથી ઉતરીને મુલાકાત લીધી છે તેનાં આંકડા સી. આર. પાટીલે જાહેર કરવા જોઈએ. આ સ્મારકમાં સરદાર પટેલના જીવનની સ્મૃતિ સમાન ડાયરી, ઘડિયાળ, કપડાં, જેલના વાસણો જેવી અનેક સામગ્રી હોવા છતાં ભાજપવાળાઓ સરદાર પટેલની આ યાદોથી દૂર ભાગી રહ્યાં છે.
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટનું નામ અદાણી એરપોર્ટ કરનાર ભાજપ સરકારનો સરદાર પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવે છે તેવો માર્મિક આક્ષેપ કરતાં ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, અમદાવાદથી કેવડીયા સુધીની રેલવે સુવિધા આપવામાં આવી છે. પરંતુ સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદ તેમજ કર્મભૂમિ આણંદ ખાતે રાજ્યના મંત્રી તેમજ ધારાસભ્યની હાજરીમાં ટ્રેનના સ્ટોપેજ આપવામાં આવ્યા હતા. તે ઉદ્ઘાટનના દેખાડા બાદ બીજા જ દિવસથી બંધ કરી દેવામાં આવ્યા છે. એ જ રીતે ગુજરાત વિધાનસભા અને સચિવાલયનું કોંગ્રેસ સરકારન દ્વારા સરદાર પટેલ ભવન નામ કરવામાં આવ્યું હતું. પરંતુ સરદાર પટેલના નામથી જ શરમ અનુભવતા ભાજપ દ્વારા સ્વર્ણિમ સંકુલ નામ આપીને તેમનો અસલી ચહેરો ખુલ્લો કર્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે મળતિયાઓને વિવિધ પ્રોજેક્ટ આપી સ્થાનિક આદિવાસીઓની જમીન છીનવી લેવાનો કારસો કરતી ભાજપ સરકાર અને તેની નેતાગીરીએ માત્ર ચૂંટણી વખતે જ મત મેળવવા સરદાર પટેલના નામનો દુરઉપયોગ કર્યો છે. ડૉ. હિમાંશુ પટેલે કોંગ્રેસ તરફથી સી. આર. પાટીલને ખૂલ્લો પડકાર ફેંકતા આવો સરદાર સરદાર રમીએ...ની જાહેરમાં ચર્ચા કરવા જણાવ્યું છે.