આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, કલેક્ટરે રથ ખેંચ્યો, માર્ગો પર બોલ માડી અંબે જયજય અંબેનો નાદ ગૂંજ્યો

Webdunia
શનિવાર, 23 સપ્ટેમ્બર 2023 (13:39 IST)
Bhadravi Poonam fair starts from today,
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો આજથી શરૂ થયો છે. બનાસકાંઠા કલેક્ટર દ્વારા વિધિવતરૂપે રથ ખેંચી અંબાજી મહામેળાનો પ્રારંભ કરાવાયો છે. પ્રથમ દિવસથી ભક્તો દર્શન માટે પહોંચ્યા છે. 23થી 29 સપ્ટેમ્બરથી સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે, જ્યાં સાત દિવસમાં લાખો ભક્તો પગપાળા માનાં દર્શન કરવા પહોંચશે.મહામેળાના સાત દિવસ દરમિયાન અંદાજિત 30થી 35 લાખ માઇભક્તો પગપાળા સંઘો લઈને અંબાજી આવશે. ત્યારે વહીવટી તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઈ છે.
Bhadravi Poonam fair starts from today,

અંબાજી આવનારા તમામ દર્શનાર્થીઓ અને યાત્રાળુઓ માટે અનેકો નવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે, જેથી અંબાજી આવતા દરેક શ્રદ્ધાળુ સુગમતાથી અંબાજી પહોંચી માતાજીનાં દર્શન કરી શકે. અંબાજી મેળામાં આ વખતે ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અલગ અલગ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. સાત જેટલા મોટા વિશાળ ડોમ પાલનપુરથી અંબાજી હાઈવે પર તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં યાત્રિકોને આરામ કરવાથી માંડીને આરોગ્યની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં મહામેળાના પ્રથમ દિવસે પગપાળા સંઘો ધીમે ધીમે અંબાજીમાં પ્રવેશી રહ્યા છે અને અંબાજીના માર્ગ પર જય અંબેના નાદ સંભળાઈ રહ્યા છે. માઈભક્તોની સેવા માટે તંત્રથી લઈને સેવાભાવી સંસ્થાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈને શ્રદ્ધાળુઓની સુવિધામાં ક્યાંય કચાસ ન રહે એ માટે તંત્ર દિવસ-રાત એક કરી કામગીરી કરી રહ્યું છે. પદયાત્રી અને ભક્તોને રહેવા, જમવાના ડોમથી માંડી પાર્કિંગ, મોબાઈલ ચાર્જિંગ, પાનીઝ હાઉસકીપિંગ, અગ્નિશામકનાં સાધનો સહિતની તમામ સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી છે, સાથે જ મંદિર સહિત સમગ્ર પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારી મંદિરની શોભામાં વધારો કર્યો છે.યાત્રિકોને સમસ્યા ન આવે એ માટે ડિજિટલ પહેલ પણ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા QR કોડ લોન્ચ કરવામાં આવ્યો છે. QR કોડની મદદ વડે યાત્રિકો રહેવા અને જમવાનું ચોક્કસ લોકેશન શોધી શકશે તેમજ સફેદ કલરના લીધે ચપ્પલ વિના પણ યાત્રિકોને ચાલવામાં અગવડતા ન પડે એ માટે ગબ્બર પર્વતનાં પગથિયાં પર સફેદ કલર કરવા સહિતની કામગીરી કરાઈ છે.

સંબંધિત સમાચાર

Next Article