આર્ય સમાજ અને દયાનંદ સરસ્વતી વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર લખાણ લખ્યું હતું, હવે જામીન મળ્યા

Webdunia
શનિવાર, 11 નવેમ્બર 2023 (16:18 IST)
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમ પોલીસ મથકે આર્ય સમાજના કાર્યકર દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મુજબ આર્ય સમાજ એક્સપોઝ, ટ્વીટર એકાઉન્ટ વેદટેલ્સ અને ટેલીગ્રામ ચેનલ આર્ય સમાજ વિનાશક દ્વારા દયાનંદ સરસ્વતીના મિન્સ બનાવવામાં આવ્યા છે.

આર્ય સમાજ અને દયાનંદ સરસ્વતી વિશે અભદ્ર લખાણ લખવામાં આવ્યું છે અને ધમકી આપવામાં આવી છે. આ તમામ કન્ટેન્ટને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવી રહ્યું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, માચીસના ફોટા ઉપર દયાનંદ સરસ્વતીનો ફોટો મૂકીને અભદ્ર લખાણ લખાયું છે. દયાનંદ સરસ્વતીને અભદ્ર શબ્દો કહેવાયા છે. આ તમામ બાબતો સોશિયલ મીડિયામાં વાઇરલ કરાઇ છે. ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદને IPCની કલમ 153, 295 અને 505 અંતર્ગત અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ આરોપી યશ તિવારીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

જે ફેક આઈડી દ્વારા આ સોશિયલ મીડિયા ચેનલો ચલાવતો હતો. આરોપીએ મેટ્રો કોર્ટમાં જામીન અરજી મુકતા ફરિયાદીના વકીલે જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપીએ ફક્ત આર્ય સમાજ જ નહીં અગાઉ ઇસ્કોન સંસ્થા સામે પણ આવું અશ્લીલ લખાણ લખ્યું છે. આરોપીને આવી આદત છે. જો તેને છોડી મૂકવામાં આવશે તો સમાજની સુલેહશાંતિનો ભંગ થશે. આ ઉપરાંત તેને આર્ય સમાજના લોકોને ધમકી પણ આપી છે. આવા આરોપીને છોડવાથી સમાજમાં અન્ય લોકોને આવા ગુના કરવા પ્રોત્સાહન મળશે. બીજી તરફ આરોપીના વકીલે જણાવ્યું હતું કે, આ ગુનામાં વધુમાં વધુ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. આરોપીએ ગ્રુપ બનાવ્યું નથી, પરંતુ તે ફક્ત ગ્રુપનો મેમ્બર છે. આ કેસ ચાલતા વાર લાગે તેમ છે. આરોપી અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે આરોપીને પ્રિક્વન્સી હેઠળ મૂકી શકાય નહીં. જોકે કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળીને આરોપીને 20,000 રૂપિયાના જામીન મંજૂર કર્યા હતા. સાથે જ ગુજરાત નહીં છોડવા, આવી સોશિયલ મીડિયા પોસ્ટ નહીં કરવા, કોર્ટ સમક્ષ પાસપોર્ટ રજૂ કરવા અને દર મહિને સાયબર ક્રાઇમ પોલીસ મથકે હાજરી આપવાની શરતો મૂકી હતી.

સંબંધિત સમાચાર

Next Article