અમદાવાદની 17 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 24 સપ્તાહના ગર્ભ, હાઈકોર્ટે ગર્ભપાતની મંજુરી આપી

શનિવાર, 11 નવેમ્બર 2023 (11:15 IST)
અમદાવાદના ચાંગોદર પોલીસ મથકે 30 ઓક્ટોબર, 2023ના રોજ એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં આરોપી શિપુ અનુરાગી સામે IPCની કલમ 376 તેમજ પોક્સો એક્ટની કલમ 6, 8, 5L અને 18 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

આરોપીએ સગીરાનું અપહરણ કરીને યૌન શોષણ કર્યું હતું. આ ઘટના બનતા સગીરા ગર્ભવતી બની હતી. જેથી સગીરાના પિતાએ સગીરાની સમાજમાં બદનામી થતાં રોકવા ગર્ભપાતનો નિર્ણય કર્યો હતો. તેમને એડવોકેટ અરબાઝખાન પઠાણ અને મોહમ્મદઝૈદ સૈયદ મારફતે હાઈકોર્ટના ગર્ભપાત અંગે નિર્દેશ માંગતી અરજી કરી હતી. સગીરાના 24 સપ્તાહના ગર્ભપાત અંગે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ અંતર્ગત આ અરજી જજ જે.સી.દોશીની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. કોર્ટે સગીરાના વકીલની રજૂઆતને આધારે નોંધ્યું હતું કે, સગીરા સાથે દુષ્કર્મ થયું છે અને તેના વાલી સગીરાનો ગર્ભપાત ઇચ્છે છે. આથી કોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટને આદેશ કર્યો હતો કે સગીરાની સિવિલ હોસ્પિટલના ડોક્ટરની પેનલ દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવે. જેમાં સિનિયર મહિલા ગાયનેકોલોજિસ્ટ અને સાયકોલોજીસ્ટ સગીરાની તપાસ કરશે. કોર્ટે સગીરાને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરીને મેડિકલ તપાસના સરકારને આદેશ આપ્યા હતા. જેથી સગીરાનો ગર્ભપાત શક્ય છે કે કેમ? તે જાણી શકાય. મેડિકલ રિપોર્ટ કોર્ટમાં મૂકાયો હતો, જે મુજબ સગીરા બાળકને જન્મ આપવા શારીરિક અને માનસિક રીતે તૈયાર નથી, જો કે બાળક તંદુરસ્ત છે. સગીરા સાથે અરજદારને કુલ પાંચ સંતાન છે. મેડિકલ અહેવાલ પ્રમાણે ગર્ભપાત કરી શકાય છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે કિશોરીને ગર્ભપાત પહેલા અને પછી યોગ્ય સારવાર આપવામાં આવે. ગર્ભની પેસી DNA રિપોર્ટ માટે જાળવી રખાય.જો ગર્ભ જીવીત નીકળે તો તેને પણ યોગ્ય સારવાર અપાય. પીડિતાને કાયદા મુજબ બાદમાં વળતર પણ ચૂકવવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર