અમદાવાદમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં 90 ટકા બેડ ખાલી, 108 એમ્બ્યુલન્સની ડેડિકેટેડ સંખ્યા ઘટાડી દેવાઈ

Webdunia
ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (10:20 IST)
ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ ઘટતું જાય છે. કોરોનાની રસી આવે તે પહેલાં જ સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. રાત્રિ કર્ફ્યૂ વચ્ચે શહેરમાં કેસ ઘટતાં બુધવારની સ્થિતિએ શહેરમાં કોવિડ હોસ્પિટલોમાં 90 ટકા બેડ ખાલી થયાં છે. તે ઉપરાંત 108 એમ્બ્યુલન્સ વાનની ડેડિકેટેડ સંખ્યામાં પણ ઘટાડો કરીને તેની સંખ્યા હવે 35 કરી દેવામાં આવી છે. શહેરની 93 હોસ્પિટલોમાં અત્યારે માત્ર 346 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જેમાંથી 40 દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર છે.કોરોનાના કેસો ઘટતાં હવે કોરોના વોરિયર્સ પણ રાહત અનુભવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં અત્યારની સ્થિતિએ કુલ 3529 બેડની કેપેસિટી છે. જેમાંથી 346 દર્દીઓ સારવાર મેળવી રહ્યાં છે. જ્યારે 3183 બેડ ખાલી રહ્યાં છે. એક સમયે વેન્ટિલેટર બેડ માટે શહેરીજનોને ભટકવું પડતું હતું. એટલું જ નહીં પરંતુ અમદાવાદના કોવિડ દર્દીઓને સારવાર માટે ખેડા નડિયાદની હોસ્પિટલોમાં મોકલવાની નોબત આવી હતી. જો કે આજે 210 વેન્ટિલેટર બેડ ખાલી છે. એજ રીતે ICUમાં 472 બેડ ખાલી છે. જેમાં હાલમા 67 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. આઈસોલેસનમાં 1342 બેડ ખાલી છે.જ્યાં 95 દર્દીઓ સારવાર મેળવી રહ્યાં છે. HDUમાં 144 દર્દીઓ સારવાર હેઠળ છે. 1159 બેડ ખાલી છે. જેથી હવે બેડ ખાલી થતાં મોટી રાહત થઈ છે. બીજી બાજુ 108 એમ્બ્યુલન્સને પણ ડિસેમ્બર મહિનામાં સૌથી ઓછા કોલ મળ્યાં હતાં. અમદાવાદમાં ડિસેમ્બર મહિનામા કોરોનાના 2885 કેસ આવ્યાં હતાં. જે કોરોનાના સંક્રમણમાં ધરખમ ઘટાડો થયાનું દર્શાવી રહ્યાં છે. 108ની ટીમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 622 એમ્બ્યુલન્સમાંથી ગત માર્ચ મહિનાથી કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા માટે કુલ 100 એમ્બ્યુલન્સ સ્પેશિયલ કોરોના માટે ડેડિકેટેડ એમ્બ્યુલન્સમાં ફેરવી દેવાઈ હતી. જેમાં 450ના સ્ટાફને આ ફ્રન્ટલાઈનર વોરિયર્સની કપરી અને માનવતાલક્ષી કામગીરી સોંપાઈ હતી. આ કામગીરી દરમિયાન 70 જેટલા ફ્રન્ટલાઈનર કોરોના વોરિયર્સ પણ કોરોના સંક્રમિત થયાં હતાં. 108 દ્વારા અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ 1 લાખ 31 હજાર 331 જેટલા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતાં. જેમાંથી 49163 દર્દીઓ માત્ર અમદાવાદના હતાં. રાજ્યમાં 50 ટકા દર્દીઓ અમદાવાદમાં જોવા મળ્યાં હતાં. નોંધપાત્ર છે કે હવે કોરોના સંક્રમણના કેસ ઘટતાં 108 વાનની ડેડિકેટેડ એમ્બ્યુલન્સની સંખ્યા ઘટાડીને 35 કરી દેવાઈ છે.

સંબંધિત સમાચાર

Next Article