ગુજરાત ACB દ્વારા એક બાદ એક મોટી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. આણંદના ASI સામે 50 લાખની લાંચનો કેસ બાદ હવે ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે ACBએ 30 કરોડની આવક કરતા વધારે સંપત્તિનો કેસ કર્યો છે. કલોલના નિવૃત્ત નાયબ મામલતદારે 11 લક્ઝુરિયસ કાર, 2 બંગલા, 3 ફ્લેટ અને 11 દુકાનો તેમજ રિયલ એસ્ટેટ સહિતનું રોકાણ કર્યું હતું. ACBએ તપાસ કરતાં નિવૃત્ત નાયબ મામલતદારની હોદ્દાની રૂએ મેળવેલી આવક રૂ. 24.97 કરોડ થતી હતી. પરંતુ તેની સામે રૂ. 55.45 કરોડ રોકાણ કરેલું મળી આવ્યું હતું.
ગુજરાત ACBએ ઇતિહાસનો સૌથી મોટો ગુનો દાખલ કરેલો છે. વિરમ દેસાઈ કલોલમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ત્યારે અપ્રમાણસર મિલકત વસાવેલી હોવાની વિગત મળતાં તપાસ હાથ ધરી હતી. ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી એ.સી.બીને 4 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન, 3 કરોડ રૂપિયાની કાર, 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાન, એક ઓફિસ, 2 પ્લોટ ફણ મળી આવ્યા છે. આ સાથે જ આરોપી વિરમ દેસાઈ રેવન્યુ કર્મચારી સંગઠનના પ્રમુખ પણ રહી ચુક્યા છે. વિરમ દેસાઇ પાસે ઔ઼ડી, BMW, જેગુઆર, મર્સિડિઝ, હોન્ડા સિટી જેવી અનેક કારો મળી આવી છે.
નિવૃત્ત નાયબ મામલતદારે તેમના પત્ની પુત્ર સહિતના લોકો સામે મિલકત વસાવેલી છે. 18 જેટલા સર્વે નંબર છે. 2 પ્લોટ. 3 ફ્લેટ. 2 બંગલો. 11 દુકાન. રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરેલું છે. ચેહર અને જય રણછોડ શોપ છે. 11 લક્ઝુરિયસ કાર છે. જેમાં BMW, ઓડી, રેન્જરોવર, જેગુઆર સહિતની મોંઘીદાટ કાર છે. ટોટલ એમના અને એમના પરિવારના મળીને 30 જેટલા બેન્ક એકાઉન્ટ છે. કારની 3 કરોડ જેટલી. 4 કરોડ જેટલા નાણા બેંકમાં ટ્રાન્સફર કર્યા હશે.
ગુજરાત ACB વર્ષ 2020માં 198 કેસ કરીને 307 ભ્રષ્ટ સરકારી અને ખાનગી બાબુઓને લાંચ લેતાં રંગેહાથે પકડ્યા હતા, જેમાં વર્ગ-1ના 7 બાબુઓ સામેલ છે. અપ્રમાણસર મિલકતના 38 કેસ કરીને રૂ.50.11 કરોડની બેનામી મિલકતો શોધી હતી. મહત્ત્વનું છે કે 2020ના વર્ષમાં ACBના કેસોમાં સજાનો દર 40 ટકા રહ્યો હતો તેમજ એસીબીની ટ્રેપમાં પકડાયેલા દરેક સરકારી બાબુને સરેરાશ 31 દિવસ સુધી જેલવાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે ACBએ ભૂતકાળના વર્ષો કરતાં ચાલુ વર્ષે સૌથી વધુ ધરપકડ અને અપ્રમાણસર મિલકતો શોધી કાઢી છે.
ભ્રષ્ટ સરકારી બાબુઓની બેનામી મિલકતો શોધવા માટે યુનિટની રચના સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાત ACBમાં કરાઇ છે. વર્ષ 2020માં ACB દ્વારા પકડાયેલા 275 આરોપીને કુલ 8513 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું, જેમાં 56 આરોપી સાથે સુરત પહેલા નંબરે, 53 આરોપી સાથે વડોદરા બીજા નંબરે અને 44 આરોપી સાથે અમદાવાદ-રાજકોટ ત્રીજા નંબરે રહ્યા હતા.