રાજકોટની મહિલા એડવોકેટને અમદાવાદમાં રહેતા પતિ અને સાસુ-સસરા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા એડવોકેટ ફાતિમા (નામ બદલ્યું છે)એ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો પતિ ઇલ્યાશ (નામ બદલ્યું છે) ITI એન્જિનિયર છે. આથી મારા પતિ અને સાસુ-સસરા મને પૈસાવાળી છોકરી મળી જાત પરંતુ તું ભટકાણી કહી માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. રાજકોટના જ્યુબેલી નજીક એપાર્ટમેન્ટમાં રહેતી ફાતિમાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં અમદાવાદ સરખેજ રોડ પર એક એપાર્ટમેન્ટના ફલેટમાં રહેતા પતિ ઇલ્યાશ, તબીબ સાસુ શબીના (નામ બદલ્યું છે) અને સસરા ઇકબાલ (નામ બદલ્યું છે)ના નામ આપ્યા છે. ફાતિમાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે માતા-પિતા સાથે છેલ્લા દોઢ મહિનાથી રાજકોટમાં રહે છે. તેમજ મોચી બજાર કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. 14 જુન 2020ના રોજ અમદાવાદના ઇલ્યાશ સાથે મારા બીજા લગ્ન થયા હતા અને પતિના ત્રીજા લગ્ન છે. તે IT એન્જિનિયર છે. લગ્ન બાદ પોતે અમદાવાદમાં પતિ, સાસુ, સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નના 15 દિવસ સારી રીતે ચાલ્યા હતા. બાદમાં ડોક્ટર સાસુ-સસરાએ કહ્યું હતું કે, તારી સ્ક્રીન ફીકી લાગે છે આ દવા લે અને હું એ દવા લેતી તો ગળામાં ચાંદા પડી જતા હતા. દવા પીવાની ના પાડતી તો મનેઉશ્કેરાયને કહેતા કે ડોબા જેવી દવા તો લેવી જ પડશે. તેમ કહી મારા પર પ્રેશર રાખતા અને રસોઇ બનાવતી હોવ ત્યારે સાસુ આવીને બેસે અને મીઠાથી માંડી તમામ વસ્તુ કેમ નાખવી કેમ ન નાખવી તેમ મેણાટોણા મારતા હતા. આ બાબતે પતિને વાત કરતા ઉગ્ર થઇને મારા મમ્મી-પપ્પા કહે તેમજ તારે કરવાનું છે તેમ કહેતા હતા. અને સાસુ-સસરા કહેતા કે મારો દિકરો IT એન્જિનિયર છે તારાથી સારી પૈસાવાળાની છોકરી મળી જાત અને અમને તો એક લાખ રૂપિયા કમાતી છોકરી મળતી હતી પણ અમારા ભાગ્ય ખરાબ કે, તું ભટકાણી. અમારી મોટી વહુ કરોડપતિની દીકરી છે અને તેના મા-બાપએ બેંગ્લોરમાં મકાન લઇ આપ્યું છે. સાસુ-સસસરાએ તારા મા-બાપને કહે કે 10 લાખ મોકલે તેમ કહી પૈસાની માગણી કરતા મેં ના પાડી હતી. આ વાત પતિને કરતા તે પણ પૈસાનો લાલચુ હોય તે પણ કહેતા કે એમાં શું મા-બાપ તો દીકરીને પૈસા આપે. તારા મમ્મી-પપ્પા પૈસા આપે તો લેતી આવ તેમ કહી પતિ પણ પૈસાની માગણી કરવા લાગ્યો હતો. આ બાબતે મેં મારા માતા-પિતાને વાત કરતા તેમણે બધુ સારૂ થઇ જશે તેમ કહી આશ્વાસન આપ્યું હતું. સાસુ-સસરા કામવાળીને જેમ રાખતા હતા. દોઢ મહિના પહેલા સસરાએ કહ્યું કે કરિયાવરમાં કંઇ લાવી નથી તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. આ બાબતે પતિને વાત કરતા તેણે કહ્યું કે પપ્પા તો ઘરમાં બોલશે જ તને ગમતું ન હોય તો સામાન ભરીને જતી રહે. એક વાર તો સસરા જોર જોરથી બોલવા લાગ્યા અને ગુસ્સે થઇને મારવા દોડ્યા હતા. તેમજ બાલ્કનીમાંથી તારો ઘા કરી મારી નાખીશ તેવી સસરા ધમકી આપતા હતા. બાદમાં મેં 181માં જાણ કરતા 181ની ટીમે સાસુ-સસરાને સમજાવ્યા હતા. પરંતુ તેઓ સમજવા તૈયાર ન થતા હું રાજકોટ માવતરના ઘરે આવી ગઇ હતી. બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.