'ગુજસીટોક' કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ ગુનો:ક્રાઇમ બ્રાન્ચે માથાભારે બિચ્છુ ગેંગ સામે ગુનો નોંધ્યો

બુધવાર, 20 જાન્યુઆરી 2021 (17:15 IST)
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલા 'ગુજસીટોક'(ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ)ના કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ ગુનો નોંધાયો છે. શહેરની માથાભારે બિચ્છુ ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે 'ગુજસીટોક' હેઠળ ગુનો નોંધીને 12 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, ગેંગનો મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયો હાલ ભૂર્ગભમાં ઉતરી ગયો છે. માથાભારે ગુનેગારોને સબક શિખવાડવા અને ગુનાખોરી ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા 'ગુજસીટોક'નો કાયદો અમલમાં લવાયો હતો. રાજ્યના મોટાભાગના શહેરોમાં માથાભારે શખ્સો સામે 'ગુજસીટોક' હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ, વડોદરામાં આ કાયદા હેઠળ અત્યાર સુધી એક પણ ગુનો નોંધાયો ન હતો. દરમિયાન, તાજેતરમાં ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારે મોપેડ પર આવેલા ત્રણ શખસોએ ચપ્પુની અણીએ બે લોકોને લૂંટી લીધી હોવાનો બનાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ બનાવમાં પોલીસે બિચ્છુ ગેંગના માથાભારે અતિક સબદરહુસેન મલેક, મહમદસીદીક અબ્દુલસત્તાર મન્સુરી અને ફૈઝલ હુસેન શેખની ધરપકડ કરી હતી. જ્યારે શાહનવાઝ ઉર્ફે ચાઇનીઝ બાબા જુલ્ફીકારઅલી સૈયદની શોધખોળ કરવામાં આવી રહી છે.વડોદરા શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા અને ડીસીપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બિચ્છુ ગેંગ સામે વડોદરામાં 1998થી અત્યાર સુધીમાં 62 ગુના નોંધાયા છે અને પોલીસે બિચ્છુ ગેંગના 26 પૈકી 12 સાગરીતની ધરપકડ કરી છે અને અસલમ બોડિયાને પકડવા માટે અમે ટીમો બનાવી છે અને તેન શોધખોળ હાથ ધરી છે. ભૂતકાળમાં અસલમ બોડિયાની બિચ્છુ ગેંગ સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, રાયોટીંગ, ખંડણી, લૂંટ, મકાન-જમીન ખાલી કરાવવા જેવા અસંખ્ય ગુનાઓ નોંધાયા છે, ત્યારે બિચ્છુ ગેંગે ફરી માથુ ઉંચકતા પોલીસ એક્શનમાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સરકાર દ્વારા ગુનાખોરી ડામવા માટે નવા અમલમાં મૂકાયેલા 'ગુજસીટોક' હેઠળ બિચ્છુ ગેંગ સામે ગુનો નોંધ્યો હતો. અને 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બિચ્છુ ગેંગનો મુખ્ય સુત્રધાર અસલમ બોડિયો ભુગર્ભમાં ઉતરી ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર