ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ-એટેકનું પ્રમાણ વધ્યું છે, જેનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ત્યારે આજે કપડવંજ પંથકમાં બહેનને સાપ કરડ્યો હોવાથી તેની ખબર કાઢવા આવેલા એક યુવકનું હાર્ટ-એટેકથી મોત થયું હતું.
ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાં આજે મોતની એક LIVE ઘટના CCTVમાં કેદ થઈ હતી. પેટ્રોલપંપ પર રિક્ષા પાસે ઊભેલો મુસાફર અચાનક જ આંખના પલકારામાં ઢળી પડ્યો હતો. એ બાદ આ શખ્સને સારવાર મળે એ પહેલાં જ તેનું મોત થયું હતું. અચાનક હાર્ટ-એટેક આવતાં યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.
અરવલ્લી જિલ્લાનો એક શખ્સ પોતાની બહેનને સાપ કરડ્યો હોવાથી કપડવંજ મુકામે આવ્યો હતો.એ બાદ ખબર કાઢી આ શખ્સ ખાનગી રિક્ષામાં બેસી જઈ રહ્યો હતો. ત્યારે કપડવંજ શહેરના સોનીપુરા પાસે આવેલા આસ્થા પેટ્રોલ પંપ પર આજે બપોરે આ રિક્ષા ડીઝલ પુરાવવા આવી હતી. તે દરમિયાન રિક્ષામાંથી બહાર નીકળી ઊભો રહેલા આ યુવાનને હાર્ટ-એટેક આવતાં તે એકાએક ઢળી પડ્યો હતો.આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવીમા કેદ થતાં તેના ફૂટેજ પણ સામે આવ્યા છે.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક રિક્ષા પાસે અક શખસ ઊભો છે, અચાનક જ તે ઢળી પડે છે, જેની જાણ થતા જ પેટ્રોલ પંપ પર રહેલા લોકો તાત્કાલિક દોડી આવે છે. લોકોએ આવીને તેને બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે સેકન્ડોમાં જ આ ઘટના બની ગઈ હતી. ત્યારે કોઈ કંઈ સમજે એ પહેલાં જ આ શખસનું મોત થઈ ગયું હતું.