અમદાવાદમાં 93 હજારનો 9 કિલો ગાંજાનો જથ્થો પકડાયો, ક્રાઈમ બ્રાંચે એકની ધરપકડ કરી

Webdunia
શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (14:16 IST)
અમદાવાદમાં ડ્ર્ગ્સ અને ગાંજા સહિતના માદક પદાર્થોની હેરાફેરી બેફામ પણે વધી રહી છે. ક્રાઈમ બ્રાંચે ગઈકાલે શહેરમાંથી 1.20 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું હતું. ત્યારે આજે ફરીવાર શહેરમાંથી 93 હજાર રૂપિયાની કિંમતનો 9 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડાયો છે. ગાંજાની હેરાફેરી કરનાર એક આરોપીને ઝડપીને તેને ગાંજો આપનાર વ્યક્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચને ખાનગીમાં બાતમી મળી હતી કે, બોબીકુમાર ઈન્દ્રેકર નામનો ઈસમ કુબેરનગર વાળા તેના મકાનમાં ગાંજાનો ગેરકાયદેસર જથ્થો છુપાવી રાખ્યો છે. આ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે બોબીકુમારના ઘરે દરોડો પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચને બોબીકુમારના ઘરના બેડરૂમમાંથી એક બેગ મળી આવી હતી. આ બેગમાં એક ખાખી કલરના પાંચ પાર્સલ મળી આવ્યા હતાં. આ પાર્સલમાં ક્રાઈમ બ્રાંચને ગાંજો મળ્યો હતો જેનું વજન કરતાં 9 કિલો 440 ગ્રામ થયું હતું. જેની બજાર કિંમત 93 હજાર રૂપિયા આંકવામાં આવી છે. 
 
ક્રાઇમ બ્રાંચે આ ગાંજા બાબતે આરોપી બોબી કુમારને પુછતાં તેણે જણાવ્યું હતું કે, તે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે સાસરીમાં ગયો હતો અને ત્યાં સિદ્ધુ રમેશ તમાયચે પાસેથી એક કિલોના 10 હજાર ભાવ આપીને આ ગાંજો ખરીદ્યો હતો. આ ગાંજાની રકમ જેમ જેમ વેચાણ થાય તેમ ફોન પેથી મોકલી આપવાની સંમતિ સધાઈ હતી. પોલીસે આરોપી બોબીની અટકાયત કરીને સિદ્ધુ રમેશ સામે કાયદાકિય પગલાં લેવાની તૈયારી શરૂ કરી છે. ક્રાઈમ બ્રાંચે છેલ્લા એક મહિનામાં એમડી ડ્રગ્સ, કોકેઈન ગાંજો, નશીલી કફ સિરપ જેવા પદાર્થોનો કુલ બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article