ઈરાન અપહરણ કેસમાં ક્રાઈમ બ્રાંચ અને CID ક્રાઈમ પણ જોડાઈ, દંપતીની પુછપરછ થવાની શક્યતા

ગુરુવાર, 22 જૂન 2023 (13:35 IST)
પંકજ પટેલને ઈરાનના તહેરાનમાં લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા અને ટોર્ચર કરાયું હતું
સુત્રો મુજબ હૈદરાબાદના એજન્ટનો ભાઈ દંપતી સાથે ગાઈડ બનીને રવાના થયો હતો
 
 ગેરકાયદે અમેરીકા જવા ઈચ્છતા લોકો માટે બોધપાઠ સમાન એક દર્દનાક ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદના નરોડાના પટેલ દંપત્તિનુ અમેરીકા પહોંચતા પહેલા જ અપહરણ થયું હતું.આ ઘટનામાં અપહરણ કરાયેલ દંપત્તિને માત્ર 24 કલાકમાં જ તહેરાનથી છોડાવી લેવામાં આવ્યું હતું.તેમના એજન્ટ અભય રાવલ અને પિન્ટુ ગોસ્વામીની ક્રાઈમ બ્રાંચે ગાંધીનગરથી અટકાયત કરી હોવાની માહિતી સામે આવી છે. ક્રાઈમ બ્રાંચે બંને એજન્ટોની પુછપરછ શરૂ કરી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. આ કેસમાં વિદેશના કયા એજન્ટનો હાથ હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ મામલે ક્રાઈમ બ્રાન્ચ અને CID ક્રાઈમ પણ તપાસમાં જોડાઈ છે.
 
વિદેશના કયા એજન્ટનો હાથ હતો તેની તપાસ થશે
પંકજ પટેલને ઈરાનના તહેરાનમાં લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા અને ટોર્ચર કરાયું હતું.એજન્ટ અભય રાવલની અટકાયત કરીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, આમાં તેમની સીધી સંડોવણી ના હોવાનું ખુલ્યું છે. હવે આ કેસમાં વિદેશના કયા એજન્ટનો હાથ હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એજન્ટ દ્વારા દંપતી 1.15 કરોડ રૂપિયાની ડીલ કરીને અમેરિકા જવા માટે રવાના થયું હતું તે એજન્ટની ગાંધીનગરના સરગાસણમાં આવેલી ઓફિસ પર તાળા લાગી ગયા છે. 
 
એજન્ટનો ભાઈ દંપતી સાથે ગાઈડ બનીને રવાના થયો
અમદાવાદની પોલીસ દ્વારા દંપતીની પુછપરછ કરીને કયા દેશના એજન્ટ્સ કે ખુંખાર વ્યક્તિઓની સંડોવણી છે તેની તપાસ કરીને કેસના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ હાલ તો કરવામાં આવી રહ્યા છે. સુત્રો મુજબ હૈદરાબાદના એજન્ટનો ભાઈ દંપતી સાથે ગાઈડ બનીને રવાના થયો હતો. હવે ગાંધીનગર, હૈદરાબાદ અને પાકિસ્તાનના એજન્ટો વચ્ચે રૂપિયાના ડખાના કારણે પંકજ પટેલ અને તેમના પત્ની નિશાને ટોર્ચર કરવામાં આવ્યા હોવાની વાત ખુલી રહી છે. આ માટે દંપતીના પરિવારને મેસેજ તથા વીડિયો મોકલનારા નંબરોના આધારે તપાસ કરવામાં આવી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર