દેશની આર્મીના જવાનોના સરનામા પર જમ્મુ કાશ્મીરના રહીશોના નામે 1 હજારથી વધુ ખોટા ડ્રાઈવિંગ લાયસન્સ બન્યા

શનિવાર, 17 જૂન 2023 (22:06 IST)
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓને દબોચીને ખોટા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યુ
 
અમદાવાદ અને ગાંધીનગર આરટીઓના વચેટીયાઓએ પણ આ ગુનેગારોને મદદ કરી હોવાનું સામે આવ્યું
 
અમદાવાદઃ તાજેતરમાં જ અમદાવાદમાંથી બોગસ ડોક્યુમેન્ટના આધારે વર્ષોથી રહેતા બાંગ્લાદેશી નાગરીકો ઝડપાયા હતાં. આ બાંગ્લાદેશી નાગરીકોને ડ્રાઈવિંગ લાયસન્સ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજો તેમના મળતીયાઓ દ્વારા બનાવી આપવામાં આવ્યા હતાં. ત્યારે હવે એક મોટા કૌભાંડનો પર્દાફાશ ક્રાઈમ બ્રાંચે કર્યો છે. ભારતીય સુરક્ષાદળોના જવાનોના નામ તથા તેમની બટાલિયનના સરનામે મેળવવામાં આવતા બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સામાન્ય માણસને લાયસન્સ કઢાવવા આંખે પાણી આવે છે ત્યારે આવા ગુનેગારો ઝડપથી મેળવી લે છે, જો તપાસ થાય તો આરટીઓ કચેરીના વચેટીયાઓ પકડાય તેમ છે
 
પુણે બ્રાંચે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને માહિતી આપી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને પૂણે બ્રાંચ દ્વારા માહિતી મળી હતી કે, અમદાવાદ તથા ગાંધીનગર આરટીઓના એજન્ટ તરીકે કામ કરતા કેટલાક એજન્ટો જમ્મુ કાશ્મીરના વ્યક્તિઓ સાથે સતત સંપર્ક ધરાવી ત્યાંના રહીશોના આધાર પુરાવા મેળવી તે આધાર પુરાવાની સાથે સુરક્ષાદળોના ખોટા પુરાવા આરટીઓ કચેરીમાં રજૂ કરી બોગલ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી રહ્યાં છે.આ માહિતી મળતાં જ ક્રાઈમ બ્રાંચના પીઆઈ ત્રિવેદી તથા ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે ચાંદખેડાથી તપોવન સર્કલ તરફ જતા રોડ પર મેટ્રો પીલ્લર પાસેથી આ ગુનામાં સંડોવાયેલા આરોપી સંતોષસિંઘ ચૌહાણ અને ધવલ રાવતને ઝડપી પાડ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 
 
આરોપી પહેલા નોકાદળની હોસ્પિટલમાં કામ કરતો
આરોપી સંતોષસિંઘ 1991થી 2012 સુધી ભારતીય નૌકાદળની હોસ્પિટલમાં મેન્ટેનેન્સનું કામ કરતો હતો. જે 2015 પછી ગાંધીનગર આવી ગયો હતો અને આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતો હતો. આ દરમિયાન તેણે ગાંધીનગર ખાતેથી ભારતીય સુરક્ષાદળોની અલગ અલગ બટાલિયનોના જવાનોના ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેના સંપર્કમાં જમ્મુ કાશ્મીરના અશફાક, નઝીર, વસીમ તથા બીજા કેટલાક વ્યક્તિો આવ્યા હતાં. આ લોકો ભારતીય સુરક્ષાદળના કોઈ વ્યક્તિઓ નહીં હોવા છતાં સુરક્ષાદળના જવાન તથા બટાલિયનના સરનામા વાળા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી આપવા જણાવ્યું હતું. 
 
વચેટીયાઓને રૂપિયા ચૂકવી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી લેતો 
સંતોષ એજન્ટ બન્યો હોવાથી કયા દસ્તાવેજોની જરૂર પડશે તે સારી રીતે જાણતો હતો. તેને જમ્મુ કાશ્મીરના સંપર્કો એક ફોટો અને આધારકાર્ડ મોકલી આપતા હતાં. ત્યારબાદ સંતોષસિંઘ તેના લેપટોપમાં જરૂરી દસ્તાવેજો તૈયાર કરતો હતો. સુરક્ષાદળોની બટાલિયનના સિકકા બનાવવા તેણે ઓનલાઈન સિક્કા બનાવવા માટેનું મશીન પણ મંગાવ્યું હતું. આ મશીનથી સિક્કા બનાવીને તેણે જરૂરી દસ્તાવેજો પર સિક્કા મારીને સુરક્ષાદળના અધિકારીની જાતે જ સહી કરી તમામ દસ્તાવેજો આરટીઓ કચેરીની લાયસન્સ મેળવવા માટેની વેબસાઈટ પર અપલોડ કરતો હતો. અપલોડ કરેલા દસ્તાવેજોના વેરિફિકેશન તથા લાઈવ ફોટો પડાવવવા અરજદારને રૂબરૂ હાજર ના રહેવુ પડે તે માટે કચેરીના વચેટીયાઓને રૂપિયા ચૂકવી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી લેતો હતો. 
 
લેપટોપમાં ખોટા દસ્તાવેજો બનાવવામાં આવતા
જ્યારે આરોપી ધવલ રાવત બે વર્ષ સુધી સંતોષસિંઘ સાથે કામ કરતો હતો. તે પણ સંતોષ કેવી રીતે ખોટા લાયસન્સ બનાવે છે તે જાણી ગયો હતો. આ કામમાં સંતોષને સારા રૂપિયા મળતા હોવાથી ધવલ રાવતે અલગથી કામ શરૂ કર્યું હતું. તેણે જમ્મુ કાશ્મીરના સંપર્કો ઉપરાંત તેનો વધુ એક સંપર્ક અયાન ઉમર સાથે થયો હતો. અયાન ઉમરને જે સુરક્ષાદળાના બટાલિયનના સરનામા પણ ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર હોય તે બટાલિયનના સિક્કા આરોપી ધવલ રાવત મોકલી આપતો હતો. ત્યાર બાદ અયાન તેના લાયસન્સ ધારકના ફોટો અને આધારકાર્ડ ધવલ રાવતને મોકલતો હતો. ત્યાર બાદ ધવલ તેના લેપટોપમાં ડોક્યુમેન્ટ તૈયાર કરીને તેની પર સિક્કા મારી દેતો હતો અને ડિજિટલ પેનથી સહી કરી દેતો હતો. ત્યાર બાદ તે લાયસન્સ માટેની વેબસાઈટ પર અપલોડ કરી દેતો હતો. તે પણ કચેરીમાં વચેટીયાઓને પૈસા આપીને કામ કરાવી લેતો હતો. 
 
એક હજારથી વધુ ખોટા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવ્યા
ક્રાઈમ બ્રાંચના હાથે પકડાયેલા આરોપીઓએ અત્યાર સુધીમાં એક હજારથી વધુ ખોટા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવ્યા છે અને તેમાં એક લાયસન્સ દીઠ 6થી8 રૂપિયા લેતા હોવાનું કબૂલ્યું છે. બંને આરોપીઓ ગૂગલ પે અથવા ફોન પેથી પોતાના  પૈસા મેળવી લેતા હતાં. બંને આરોપીઓએ લાયસન્સ કઢાવી આપવામાં 50 લાખથી વધુની રકમ મેળવી હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાને આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે આરોપીઓ પાસેથી 284 ડ્રાઈવિંગ લાયસન્સ, 97 આર સી બુક, 9 નંગ રબર સ્ટેમ્પ, નો ઓબ્જેક્શન સર્ટી 37 નંગ, સર્વિસ સર્ટિફિકેટ 9 નંગ, કન્ફર્મેશન લેટર પાંચ નંગ, લેપટોપ 3 નંગ, કલર ઝેરોક્ષ ડોક્યુમેન્ટ 3 નંગ, મોબાઈલ ફોન 4 નંગ, સ્પીડ પોસ્ટ
 સ્ટીકર 27 નંગ અને ડિજિટલ સિગ્નેચર પેન એક નંગનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર