અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી મર્ડર મિસ્ટ્રી, બિહાર પહોંચીને વેશપલટો કરી આરોપીને દબોચ્યો

શનિવાર, 3 જૂન 2023 (19:06 IST)
ahmedabad crime branch
 
ક્રાઈમ બ્રાંચે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરીને અરવિંદ મહતોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
 
શહેરમાં ગત 21 એપ્રિલે એક શખ્સ ગુમ થયો હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં 22 એપ્રિલે નોંધાઈ હતી. ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે પરિવારે આકાશ પાતાળ એક કરી નાંખ્યું હતું અને પોલીસે પણ તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. પરંતુ તેની કોઈ ભાળ નહીં મળતાં આખરે આ કેસ ક્રાઈમ બ્રાંચના હવાલે કરાયો હતો. ક્રાઈમ બ્રાંચે ખૂબજ ટુંકા ગાળામાં આ કેસના મુખ્ય આરોપીને બિહારમાં જઈને પકડી લીધો હતો અને ગુમ થયેલ વ્યક્તિની હત્યા થઈ હોવાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. 
ahmedabad crime branch
આ કેસ પોલીસ કમિશ્નરે ક્રાઈમ બ્રાંચના હવાલે કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ગત 21 એપ્રિલે સુરેશ મહાજન નામનો વ્યક્તિ હું બહાર કામથી જાઉ છું એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. બાદમાં પરત નહીં આવતાં તેના પરિવારે તેને શોધવા માટે આકાશ પાતાળ એક કરી નાંખ્યું હતું. બાદમાં 22 એપ્રિલે તેના ગુમ થયાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં આપી હતી. પોલીસે ફરિયાદના આધારે શખ્સને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. આખરે આ કેસને અમદાવાદ પોલીસ કમિશ્નરે ક્રાઈમ બ્રાંચના હવાલે કર્યો હતો. 
ahmedabad crime branch
ક્રાઈમ બ્રાંચને અરવિંદ મહતો નામનો શખ્સ હાથ લાગ્યો
ક્રાઈમ બ્રાંચે આ કેસની તપાસ હાથ ધરતાં ખાનગી હકીકત મળી હતી કે, આ શખ્સ ગુમ થવામાં તેની કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતાં રણજિત કુશ્વાહા તથા તેની સાથેના બીજા માણસોનો હાથ છે. આ રણજિત બિહારમાં હોવાની માહિતી મળતાં જ ક્રાઈમ બ્રાંચની એક ટીમ બિહાર પહોંચી હતી. તેમણે બિહારના અલગ અલગ જિલ્લાઓમાં તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચને અરવિંદ મહતો નામનો શખ્સ હાથ લાગ્યો હતો. તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, સુરેશ અને રણજિત એક જ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં હતાં. 
 
ક્રાઈમ બ્રાંચે મર્ડર મિસ્ટ્રી ઉકેલી નાંખી
રણજિત કુશવાહાએ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ પર લઈ જવાના બહાને 21 એપ્રિલે સાંજે સાતેક વાગ્યે ગાડીમાં સુરજ વાલ્મિકી પાસવાન, અનુજ મકેશ્વર પ્રસાદ તેને રાજસ્થાન વાળા હાઈવે પર લઈ ગયા હતાં. તેમણે સુરેશને ચાલુ ગાડીમાં જ દારૂ પીવડાવીને માથાના ભાગે હથોડીના ઘા માર્યા હતાં. તેમજ તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાંખી હતી. તેમણે સુરેશની લાશને હાઈવે પર એક નાળામાં નાંખી દીધી હતી. તેણે ક્રાઈમ બ્રાંચની ટીમને લાશની જગ્યાએ જઈને બતાવતાં સુરેશની લાશ ત્યાંથી મળી આવી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે લાશનું પોસ્ટ મોર્ટમ કરાવીને લાશ તેના પરિવારજનોને અંતિમ વિધિ માટે સોંપી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર