25 આરોપીઓ સાથે 46.35 લાખનો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓ સામે વધુ કાર્યવાહી શરૂ કરાઈ
બે દિવસ પહેલાં જ સરખેજમાંથી ક્રોસ રેડ કરીને પોલીસે મોટુ જુગારધામ પકડી પાડ્યુ હતું
Gambling caught - હજી બે દિવસ પહેલાં જ શહેરમાં જુગારધામ પર પોલીસની ક્રોસ રેડ થતાં જુગારિયાઓમાં હડકંપ મચી ગયો હતો. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન-2ની પોલીસે રેડ પાડીને 19 જુગારીયાઓની ધરપકડ કરી હતી અને 3.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શહેરના પોલીસ કમિશ્નર તરીકે શિવાનંદ ઝા હતાં ત્યારે ક્રોસ રેડ થઈ હતી અને હવે જી.એસ મલિક આવતાં ફરીવાર ક્રોસ રેડ થઈ હતી. પોલીસની આ કાર્યવાહી બાદ પણ જુગારિયાઓમાં કોઈ ડર રહ્યો નથી. આજે શહેરના વસ્ત્રાપુર વિસ્તારના ન્યૂયોર્ક ટાવરમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. પીસીબીએ દરોડો પાડીને 25 આરોપીઓને ઝડપી લઈ 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ જુગારધામમાંથી કુખ્યાત બુકી ધર્મેન્દ્ર પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બુકી જ જુગારધામ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
કુલ 46.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
શહેરમાં શ્રાવણિયો જુગાર રમતાં લોકોને પકડવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ત્યારે પીસીબીએ વસ્ત્રાપુર પોલીસને અંધારામાં રાખીને હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડ્યો હતો. ચોક્કસ બાતમીને આધારે રેડ પાડતાં જુગારધામમાં જુગાર રમતાં અમદાવાદ, પાટણ, મહેસાણા, ઉંઝા અને રાજસ્થાનના ખેલીઓ પકડાયા હતાં. પોલીસે તેમની પાસેથી રોકડા 6.70 લાખ, 6.25 લાખની કિંમતના 21 મોબાઈલ, પૈસા ગણવાનું મશીન, સીસીટીવી કેમેરાના ડીવીઆરના ઉપકરણો, જુગારીયાઓના વાહનો મળીને કુલ 46.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપીઓને ઝડપીને તેમનો કોરોના ટેસ્ટ કરવી વધુ કાર્યવાહી હાથ ધરાશે.
પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ
અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે જ્યારે શીવાનંદ ઝા હતાં ત્યારે પણ ક્રોસ રેડ કરીને જુગારધામ પકડવામાં આવ્યું હતું. ત્યાર બાદ શહેરમાં જી.એસ. મલિક પોલીસ કમિશ્નર તરીકે નિમાતા ફરીવાર ક્રોસ રેડ થતાં પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઝોન-2 એલસીબીએ પોલિસ કમિશ્નરના આદેશથી શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃતિઓ નાબુદ કરવા માટે સક્રિયતા દાખવી હતી. તેમને મળેલી સૂચના પ્રમાણે સરખેજ પોલીસ સ્ટેશનની બિલકુલ નજીકમાં આવેલ બિલાલ સોસાયટીમાં ઈકબાલ ઘાંચી તેના મળતીયા માણસોને બેસાડીને જુગાર રમાડે છે અને હાલમાં આ જુગારધામ ચાલુ છે. પોલીસે સોસાયટીમાં જઈને જે મકાનમાં જુગારધામ ચાલતુ હતું ત્યાં રેડ કરી હતી. આ રેડ કરતાં જ મકાનમાં 19 જુગારીયાઓ જુગાર રમતાં હતાં તેમને પકડીને ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.