સુરતમાં ગટરમાં ઊતરેલા બેને બચાવવા જતા યુવતી સહિત 4 લોકો ગૂંગળાયા, એકનું મોત

સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (14:59 IST)
surat news
સુરત પાલ- ગૌરવપથ રોડ પર ખેતર માટે પાણી ખેંચવા ગટરમાં ઊતરેલા 4 લોકોને ગૂંગળામણ થઈ હતી. જેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે. ગટરમાં ઊતરેલા લોકોનો સંપર્ક ન થતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે આવીને તાત્કાલિક ધોરણે કામગીરી હાથમાં લીધી હતી. જેમાંથી 3 લોકોને ગંભીર હાલત હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે એક વ્યક્તિનું મૃત્યુ નીપજતા પરિવાર પર શોકનો માહોલ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર મૂળ સુરત જિલ્લાના બરબોધન ગામના રહેવાસી 20 વર્ષીય દર્શન સોલંકી સુરતના ગૌરવ પથ રોડ નજીક આવેલા ટી.આર. દેસાઈ નામના વ્યક્તિના ખેતરમાં કામ કરતો હતો. આ દરમિયાન ખેતરમાં પાણી માટે પાલિકાની ગટરમાંથી મોટર વડે પાણી કાઢતા હતા. જોકે લાઇન આડે કંઇક આવી ગયું હોવાથી 20 ફૂટ ઊંડી ગટરમાં ઊતર્યો હતો. તેથી તેને ગૂંગળામણ થવા લાગી હતી, ત્યારબાદ એનો સંપર્ક નહીં થતાં એક પછી એક એમ યુવતી સહિત બીજા ત્રણ લોકો ગટરમાં ઊતર્યા હતા અને ચારેય બેભાન થઈ ગયા હતા.
ફાયર વિભાગને ઘટનાની જાણ ખૂબ જ મોડી મળી હતી. પાલનપુર, મોરાભાગળ, અડાજણ ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. એક યુવતી સહિત ચારને બહાર કાઢી CRP અપાયા હતા. જોકે ગટરમાં પહેલો ઊતરેલો દર્શન નામનો યુવક આ દુર્ઘટનામાં મોતને ભેટ્યો હતો. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, ગટરમાં પાણી ખેંચવા ઊતરેલા ચાર લોકો બહાર નથી આવી રહ્યા હોવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતી. માહિતી મળતા તાત્કાલિક પાલનપુર, મોરાભાગળ, અડાજણ ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર રવાના કરી દેવાઈ હતી. ફાયરના જવાનોએ ખૂબ જ ઓછા સમયમાં ચારેયને બહાર કાઢી પોતાના જ વાહનમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં એકનું વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.40 વર્ષીય ચંદુભાઈ ધારસિંગ ગોહિલ, 20 વર્ષિય મનીષભાઈ ભરતભાઇ રાઠોડ અને અસ્મિતાબેન ધારસિંગ ગટરમાં ઊતર્યાં હતાં. ફાયરના જવાનો પણ ઓક્સિજન માસ્ક પહેરી ગટરમાં ઊતર્યા હતા. ગટરમાં પહેલા ઊતરનાર દર્શન સોલંકીનું આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે. જ્યારે યુવતી સહિત બીજા ત્રણ પૈકી એકને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. મૃતક દર્શનના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બે પુત્રો અને એક પુત્રીના પિતાએ કહ્યું હતું કે, દર્શન બીજા નંબરનો દીકરો હતો અને લાડકો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર