ભારતના મોટા ભાગના રાજ્યોમાં હાલ કોરોનાની સ્થિતિ કાબૂમાં છે, દક્ષિણ ભારતના કેટલાંક રાજ્યોમાં વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે.
જોકે યુરોપમાં કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે અને તેને પગલે યુરોપના કેટલાક દેશો લૉકડાઉન લાગુ કરી રહ્યા છે.
જોકે તેની સામે લોકોમાં રોષ છે અને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે, ક્યાંક-ક્યાંક પોલીસ સાથે ઘર્ષણ સંઘર્ષ પણ થયો છે.
જર્મનીમાં એક દિવસમાં 40 હજારથી વધુ કેસ નોંધાતાં ત્યાંની સરકારની ચિંતા વધી ગઈ છે.
જ્યારે નેધરલૅન્ડ્ઝ, ઑસ્ટ્રિયા, ક્રૉએશિયા, ઇટાલી, ફ્રાન્સ સહિતના દેશોમાં પણ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને પગલે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી છે.
યુકેનું કહેવું છે કે પશ્ચિમ યુરોપમાં કેસો વધી રહ્યા છે, પરંતુ યુકેમાં ડેલ્ટા વૅરિયન્ટના જ કેસો હોવાથી નવાં નિયંત્રણો લાદવાની શક્યતા ઓછી છે.
તેમનું કહેવું છે કે જો નવો વૅરિયન્ટ આવશે અને તેનું પ્રમાણ વ્યાપક જણાશે તો સ્થિતિ બદલાઈ શકે છે.
પ્રતિબંધો સામે પ્રદર્શન
આ દરમિયાન નૅધરલૅન્ડ્ઝના ધ હૅગ, રોટરડૅમમાં હિંસાત્મક પ્રદર્શનો થયાં હતાં. પોલીસે ગોળીબાર કર્યો હતો, જ્યારે પ્રદર્શનકારીઓએ આગચંપી કરી હતી. કોરોનાને અંકુશમાં લેવા માટે લદાયેલા નવા લૉકડાઉનનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે.
બીજી તરફ ઑસ્ટ્રિયા, ક્રૉએશિયા અને ઇટાલીમાં પણ નવા અંકુશો સામે સંખ્યાબંધ પ્રદર્શનકારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
યુરોપમાં કોરોના વાઇરસની સ્થિતિ વિશે વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે, "યુરોપમાં વધી રહેલા કોરોનાના કેસ ચિંતાનો વિષય છે. આ ગંભીર છે."
WHOના પ્રાદેશિક અધિકારી ડૉ. હૅન્સ ક્લુગે બીબીસીને જણાવ્યું કે જો યુરોપમાં કોરોના મામલે પગલાં નહીં લેવાય, તો આગામી વસંત ઋતુ સુધીમાં નવા પાંચ લાખ મોત થઈ શકે છે.
તેમણે કહ્યું કે, "અમારા ક્ષેત્રમાં કોવિડથી થતાં મોત ફરી વધી રહ્યાં છે. અમને ખબર છે કે શું થવું જોઈએ અને શું કરવું જોઈએ. કોવિડ સામેની લડાઈ માટે રસીકરણ, માસ્ક અને કોવિડ પાસનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ છે."
ઘણા દેશોમાં કેસો સર્વાધિક નોંધાઈ રહ્યા છે અને રોજ કેસોનો આંકડો વિક્રમો રચી રહ્યો છે.
આમ ગુજરાતના કેટલાક ખેડૂતનેતાઓ અનુસાર કૃષિકાયદા રદ કરવાની બાબત એક રાજકીય પગલું છે, અને સરકારે પોતાની ભૂલ સુધારવાની કોશિશ કરી એ વાત પણ હોઈ શકે છે.
નૅધરલૅન્ડ્ઝમાં ત્રણ સપ્તાહનું લૉકડાઉન
જેથી નૅધરલેન્ડ્ઝે ગત સપ્તાહથી ત્રણ સપ્તાહ માટે આંશિક લૉકડાઉન લાગુ કર્યું છે, કેમ કે ત્યાં કેસો વધવા લાગ્યા હતા.
અહીં બાર-રેસ્ટોરાં રાત્રે 8 વાગ્યે બંધ કરી દેવાય છે. નવા અંકુશોને લીધે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયાં છે. સાથે જ આગચંપી અને પથ્થરમારાના બનાવો પણ નોંધાયા હતા.