ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, અહીં સવારે સાત વાગ્યાથી 192 મતદાન કેન્દ્રોનાં 321 મતદાનમથકોએ મત પડ્યા હતા. વીવીપીએટ કે ઈવીએમ ખોટકાવાની છૂટક ઘટનાઓ વચ્ચે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.
સામાન્ય રીતે આ બેઠક પર ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે જંગ જામતો હોય છે, પરંતુ ભાજપના નેતા માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી કરતા ચૂંટણીજંગ ત્રિપાંખિયો બન્યો હતો. આ બેઠક ઉપર કુલ 10 ઉમેદવાર ચૂંટણીમેદાનમાં ઊતર્યા છે.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાંથી કૉંગ્રેસ પક્ષનાં ગેનીબહેન ઠાકોર આ બેઠક પરથી ધારાસભ્ય હતાં, પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેઓ સંસદસભ્યપદે ચૂંટાઈ આવતાં, તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.