Gujarat Loksabha 2024 - ગુજરાતમાં કોંગ્રેસ હાઈકમાન્ડે ઉમેદવારોને ફોન કર્યાં, તમે તૈયારીઓ શરૂ કરી દો

Webdunia
શુક્રવાર, 8 માર્ચ 2024 (16:54 IST)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ભાજપે રાજ્યની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે પણ કોંગ્રેસના ઉમેદવારોને ફોન કરીને તૈયારીઓ કરવા માટે જણાવી દીધું છે માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. હાલમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી પસાર થઈ રહી છે. આ યાત્રા પૂર્ણ થયા બાદ ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા પ્રમાણે હાઈકમાન્ડે બનાસકાંઠા બેઠક પરથી ધારાસભ્ય ગેની બેન ઠાકોરને ફોન કરીને તૈયારીઓ શરૂ કરી દેવા જણાવ્યું છે. 
 
વલસાડ બેઠક પરથી અનંત પટેલનું નામ ચર્ચામાં
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં જ જણાવ્યું હતું કે, કેટલાક ઉમેદવારોને ફોન કરીને જણાવ્યું છે. તેમણે ગેનીબેન ઠાકોરના પ્રચાર અંગે કહ્યું હતું કે, તેઓ ભલે પ્રચાર કરે તેઓ કરી શકે છે. ઘણા નેતાઓએ પ્રચાર શરૂ કર્યો છે. બીજી તરફ ગેનીબેને મીડિયાને કહ્યું હતું કે, પક્ષ ટીકિટ આપશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ. હાલમાં જ બનાસકાંઠા જિલ્લાના દીયોદરમાં કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નિવેદન કર્યુ હતુ કે, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી લડવાની દાવેદારી કરી ચૂક્યા છે.બીજી તરફ કોંગ્રેસે વલસાડ બેઠક પરથી અનંત પટેલને પણ જાણ કરી હોવાનું સુત્રોમાં ચર્ચાઈ રહ્યુ છે. જ્યારે અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ માનવામાં આવે છે. 
 
રાહુલ ગાંધીની યાત્રા બાદ ઔપચારિક જાહેરાત થશે
હાલમાં રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતના સાત જિલ્લામાંથી પસાર થઈ રહી છે. રાહુલ ગાંધી આદિવાસી મતવિસ્તારમાં યાત્રા કરી રહ્યાં છે. તેમની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાયાં છે. ત્યારે ભાજપે ભરૂચથી મનસુખ વસાવા પર ફરીવાર વિશ્વાસ મુક્યો છે. તેમની સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણીના મેદાનમાં ઉતર્યાં છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસમાં ઉકળતો ચરૂ હોવા છતાં ગઠબંધન હેઠળ ચૂંટણી લડાઈ રહી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે તૂટતી કોંગ્રેસ અંગે કહ્યું હતું કે, કોંગ્રેસ ક્યારેય તૂટતી નથી. પક્ષ છોડીને જનાર નેતાઓ યુવાનો માટે નવો રસ્તો ખોલે છે. પક્ષના દિગ્ગજો પક્ષ છોડે તો દુઃખ થાય એ સ્વાભાવિક છે.

સંબંધિત સમાચાર

Next Article