રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશશે, આઠમીએ દાહોદથી પદયાત્રા

ગુરુવાર, 7 માર્ચ 2024 (07:12 IST)
rahul gandhi

Rahul Gandhi's Nyaya Yatra
આજે  રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. સાતમી માર્ચે મધ્યપ્રદેશથી ઝાલોદમાં પ્રવેશ કરશે અને રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ સવારે દાહોદથી પદયાત્રા શરૂ થશે.ભારત જોડો ન્યાય યાત્રા ઝાલોદ દાહોદથી શરૂ કરી સતત ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ફરશે.  ગુજરાતના તમામ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો, સંસદસભ્યો, કાર્યકરો જોડાશે. યાત્રાનો મુખ્ય હેતુ ગુજરાતના પાયાની સમસ્યાઓ જેનું નિરાકરણ લાવવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી છે તેને ઉજાગર કરવાનો પ્રયાસ છે.
 
ભારત જોડો ન્યાય યાત્રાને લઈને શક્તિસિંહ ગોહિલે જણાવ્યું 
ભારત જોડો ન્યાય યાત્રા સંદર્ભે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે  પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત જોડો ન્યાય યાત્રા આજે એટલેકે 7 તારીખે ઝાલોદમાં પ્રવેશ કરશે. રાહુલ ગાંધીની પહેલી યાત્રામાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી પહેલી વખત વર્લ્ડ રેકોર્ડ થયો.  રાહુલ ગાંધીને ઘૂંટણમાં ઇજા થયા બાદ પણ ધર્મ જાતિથી ઉપર ઊઠીને જનતાના હિત માટે યાત્રા કરી હતી. બીજી યાત્રા મણિપુરથી મુંબઈ સુધી બસમાં પેદલ અથવા જેમ-તેમ કરીને મિશ્ર યાત્રા કરી તમામ તકલીફો બેઠ્યા બાદ પણ પૂર્ણ કરી હતી. તેવામાં ગુજરાતમાં યાત્રા આવી રહી છે ત્યારે ગુજરાતનો એક-એક કાર્યકર્તા આ યાત્રાના થનગનાટનાં જોશમાં છે. દરેક કોંગ્રેસનો કાર્યકર્તા એક પ્રસંગ સ્વરૂપે આ યાત્રાને લઈ રહ્યો છે.ભારત જોડો ન્યાય યાત્રા જિલ્લાના 6 રૂટમાં જવાની છે અને ગુજરાતને લગતા મુદ્દાઓ યાત્રા દ્વારા લોકો સુધી પહોંચાડવાનું અમે કામ કરીશું.
 
અમિત ચાવડાએ ભાજપ પર કર્યા આક્ષેપ 
ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા માહિતી આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે નફરત છોડીને પ્રેમનો સંદેશો આખા દેશને આપ્યો છે સાથે આજે લોકશાહી બચાવવા માટે લોકોએ આગળ આવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. યાત્રામાં ગુજરાતના મૂળ પ્રશ્નો જેવા કે મોંઘુ શિક્ષણ, ટેટ-ટાટ વિદ્યાર્થીઓનું આંદોલન તેમજ જંગલની જમીનનો અધિકાર કોંગ્રેસે બનાવી આપ્યો હતો જેનો અધિકાર ભાજપની સરકારે જમીનનો એક પણ ટુકડો ન આપીને છીનવી લીધો છે.આ યાત્રામાં રાજ્યમાં જ્યાં પણ શોષણ થાય છે અન્યાય થાય છે. તમામ પ્રશ્નોને વાચા આપવા માટે લોકો જોડાશે. 
 
પોતાના હક માટે લડી શકે તેવો મેસેજ આપવાનો પ્રયાસ
રાહુલ ગાંધી દ્વારા યોજવામાં આવેલી ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના પ્રશ્નો માટે જે કોઈ લડાઈ લડવી પડે તે લડવાની કટિબદ્ધતા માટે આ કોંગ્રેસનો પ્રયાસ છે. યાત્રા દરમિયાન લોકો પોતે પોતાના હક માટે લડી શકે તેવો મેસેજ આપવાનો પ્રયાસ છે. 1928 માં બારડોલીમાં સત્યાગ્રહ થયા ત્યારે સરદાર સાહેબે તેનું નેતૃત્વ લીધું ત્યારે સરદાર સાહેબ બારડોલી રહ્યા જે મકાનમાં રહ્યા તેને આપણે સરદાર નિવાસ તરીકે ઓળખીએ છીએ બારડોલી સાથે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ઘણી સ્મૃતિઓ આજે પણ ત્યાં જોડાયેલી છે. 
 
શિવ મંદિરોમાં પણ રાહુલ ગાંધી દર્શન કરશે
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં જે રીતે પડઘમ વાગી રહ્યા છે તેમ તેમ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓને ડરાવી ધમકાવી પૈસા આપી હેમ ખેમ ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં લોકો વારંવાર કહી રહ્યા છે કે રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણી કેમ ગુજરાતમાં આવ્યા ન હતા, ત્યારે રાહુલ ગાંધી આ વખતે ગુજરાતના મૂળ પ્રશ્નોને વાચા આપવા માટે આવી રહ્યા છે. કોંગ્રેસ ખેડૂતોની આવક બમણી કરવા માટે MSP માટે કટિબદ્ધ છે. શિવના મંદિરોમાં પણ રાહુલ ગાંધી દર્શન કરશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર