અમરેલી લોકસભા બેઠક પર સતત ત્રણ ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડિયાની 2024માં ટિકિટ કપાતા ચૂંટણી પહેલાં જ નારાજ થયા હતા. જો કે, ભાજપે જે તે સમયે તો ગમેતેમ કરી ડેમેજ કંટ્રોલ કરી ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાની ચિત્ર ઊભું કર્યું હતું. પરંતુ, ચૂંટણી પૂર્ણ થતાં જ નારણ કાછડિયાએ ફરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, પાર્ટીએ જે સિલેકશન કર્યું છે તે અમરેલીની 23 લાખની વસતી અને સાડા સત્તર લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. કહ્યું જે થેંક્યુ ન બોલી શકે એવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી.
આ સિવય પણ કાછડિયાએ ભાજપના કાર્યક્રમમાં ટ્વેન્ટી ટ્વેન્ટી અંદાજમાં પોતાની જ પાર્ટીને ઘેરી હતી. અમરેલીમાં સતત ત્રણ ટર્મ સાંસદ રહેલા નારણ કાછડિયાએ આજે ભાજપના કાર્યક્રમમાં પોતાની જ પાર્ટીને આડેહાથ લીધી હતી. કાછડિયાએ કહ્યું હતું કે, પાર્ટીએ મને ત્રણ વાર ટિકિટ આપી તેના માટે હું પાર્ટીનો આભારી છું. મને કોઈ રંજ નથી. પરંતુ, તમે જે સિલેક્શન કર્યું છે તે અમરેલીની 23 લાખની વસતી અને 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે.
કાછડિયાએ વધુમાં કહ્યું હતું કે, દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડો. કાનાબાર હતા, હિરેન હિરપરા, કેશુભાઈ નાકરાણી જેવા ભાજપ પાસે અનેક મજબૂત ચહેરા હતા. પરંતુ, જે વાત ન કરી શકે, ગુજરાતીમાં ઈન્ટરવ્યૂ ન આપી શકે એવી વ્યક્તિને ટિકિટ આપીને તમે ભાજપના કાર્યકર્તાનો દ્રોહ કર્યો છે. એ કહેવામાં મને જરા પણ અતિશયોક્તિ નથી.લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા ભરતી મેળો શરૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતની એકપણ બેઠક એવી નહીં હોય કે જ્યાં ભાજપે વિપક્ષમાંથી આવેલા લોકોને પ્રવેશ નહીં અપાવ્યો હોય. ભાજપની આ નીતિની પણ કાછડિયાએ ટીકા કરી હતી. કાછડિયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ કે આપમાંથી સવારમાં આવે, બપોરે હોદ્દો મળે, બીજા દિવસે કેબિનેટ મંત્રીના પદ મળે, સંગઠનના પદ મળે, ધારાસભ્યની ટિકિટ મળે તો ભાજપના સાંસદ તરીકે પાર્ટીમાં રહો તેનો અમને કોઈ વાંધો નથી. આપણે સરવાળો કરવાનો છે બાદબાકી નહીં પણ ભાજપના કાર્યકર્તાના ભોગે નહીં. ભાજપનો કાર્યકર્તા 35-35 વર્ષથી ભાજપના ઝંડા લગાવતો હોય, નારા લગાવતો હોયો અને કાલે સવારે જેને લાવો તે સ્ટેજ પર બેસતો હોય અને સિનિયર કાર્યકર્તા સામે બેસે તે કેટલે અંશે વાજબી છે? કાછડિયાએ કહ્યું, આપણી પાસે આટલી મોટી ફોજ છે સામે કશું જ નથી છતાં પણ આપણને હંફાવે છે. તેની પાછળનું પણ કંઈક કારણ છે