નોટબંધીના બે માસ - જુઓ રાજ્યભરની પરિસ્થિતી પર એક નજર

Webdunia
મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (13:55 IST)
નોટબંધીના બે મહિના બાદ પરિસ્થિતિ થાળે ન પડતા લોકોનો રોષ વધતો જાય છે. ખાસ કરીને નાણાની મર્યાદા અને બેંકને મળતી ઓછી રકમને લીધે લોકોની હાડમારી વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં બેંકમાં નાણાના ઠપ થયેલા વ્યવહારના કારણે પ્રજા પરેશાન છે સવારથી સાંજ સુધી બે લાઇન યથાવત જોવા મળી રહી છે. આ સાથે ક્યાંક વિરોધ તો ક્યાંક બેંક સામે સ્થાનિકોએ બાંયો ચડાવી છે. જૂનાગઢના કેશોદમાં બેંકના ધક્કા ખાઇને  થાકી ગયેલા એક વૃધ્ધાએ પોતાના કપડા કાઢીને રસ્તા વચ્ચે વિરોધ કરવા બેસી ગયા હતા. જ્યારે ગ્રામજનોએ ઠેર ઠેર હોબાળો મચાવીને બેંકની તાળા બંધી કરી દીધી. જ્યારે નોટબંધીની તક ઝડપીને કોંગ્રેસે સરકાર સામે થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો હતો. નોટબંધીની માઠી અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે ત્યારે જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદર જેવા સૌરાષ્ટ્રના મુખ્ય જિલ્લાઓમાં સ્થિતિ વણસી રહી છે.  

ધ્રાંગધ્રાઃ નાણાં ન મળતા ધારકો બેંક બહાર ધરણા પર
ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આવેલ એસ.બી.આઈ બેંકમાં નાણાં નહીં મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. જ્યારે બેંકની બહાર ધરણા પર બેસી જઇને ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ બંધ કરી દીધો હતો. આથી પોલીસે સમજાવવાનો પ્રયાસ કરતા લોકો અને પોલીસ વચ્ચે ધર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે કડક કાર્યાવાહીની ચીમકી આપીને બળ પ્રયોગ કરવાનુ જણાવતા લોકોમાં મહામહેનતે હટ્યા હતા. આ અંગે ભાવનાબેન અને જીતુભાઇ ભાવસારે  જણાવ્યું કે ચાર દિવસથી બેંકમાં વહેલી સવારથી નાણા ઊપાડવા આવીએ છીએ પણ નાણા મળતા નથી, છોકરા માટે નાસ્તો સ્કુલની ફી અને ધરખર્ચ માટે પણ નાણા રહ્યા નથી.


જામનગર-ધ્રોલ હાઇવે પર નોટબંધીને લઇને ત્રીજીવાર ચક્કાજામ

જામનગર જિલ્લાના જોડિયા અને ધ્રોલ તાલુકામાં ખેડૂતો અને અરજદારોને નાણાં ન મળતા ચક્કાજામ કર્યો હતો. ધ્રોલની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને જોડિયાના નાની બાણુગર, મોટી બાણુગર ભાદરા પાટિયા સુધી લોકોએ ચક્કાજામ કર્યો હતો. ધ્રોલની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં શુક્ર અને શનિવારે કેશ ન હોવાને કારણે લોકોને નાણાં મળ્યા ન હતા. તેમજ બેંકની બહાર નોકેશના પાટિયા લગાવી દેવામાં આવ્યા હતા. સવારથી લાઇનમાં ઊભેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર અને ભાદરા પાટિયાના ધોરીમાર્ગ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. પોલીસે સમજાવટ કર્યા પછી ખેડૂતો વિખેરાયા છે.  મોટી બાણુગારના પેટ્રોલપંપ પાસે એકત્ર થયેલા ખેડૂતોએ પોતાના વાહનો રોડ પર રાખી દઈ બન્ને તરફથી વાહનોને રોકાવી દીધા હતા જેના પગલે પાંચ-પાંચ કિ.મી. સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. ઉપરાંત ધ્રોલ પાસે તેમજ ભાદરા પાટિયા પાસે પણ આ જ પ્રકારના દૃશ્યો સર્જાયા હતા.જોડિયા પોલીસ સ્ટેશન અને ધ્રોલ પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો દોડ્યો હતો.



  ખાતેદારોએ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેન્કને તાળાબંધી કરી

નોટબંધીનાં નિર્ણયને બે મહીનાં પસાર થયા બાદ પણ હજુ ગ્રામ્ય વિસ્તારની બેંકોમાં ખાતેદારોને પોતાની રકમ જમા હોવા છતા નાણા મેળવવામાં ભારે મુશ્કેલી સર્જાય છે. આવી સ્થિતીમાં તળાજા તાલુકાના બેલા ગામે આવેલ ભાવનગર ડીસ્ટ્રક્ટ કો.ઓપરેટીવ બેંકની શાખામાં આજે બેંક ખુલવાના સમયે નાણા ઉપાડવા માટે આવેલા ખાતેદારોએ રકમ નહી મળતા સામુહીક રીતે રોષે ભરાયેલ ખાતેદારોએ બેંક શાખાને તાળુ મારી દીધુ હતુ. ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંક બેલા શાખામાં બેલા, બોરલા, ઉમરલા, સાઢીયાળા, ચુડી વગેરે ગામોના ખેડૂતો, પશુપાલકો વગેરે ખાતેદારોને માર્કેટયાર્ડમાં ખેત જણસીનાં તથા દૂધ ડેરીનાં હિસાબની રકમનાં ચેકો ખાતામાં જમા કરાવ્યા બાદ પોતાનાં ખાતામાંથી જ ઉપાડ મેળવવામાં “નેવાના પાણી મોભે ચડાવવા’ જેવી સ્થિતી સર્જાતા અનેક પ્રકારનાં આર્થિક વ્યવહારો ખોરંભે પડી ગયા છે, છેલ્લા અઠવાડીયાથી રોજે રોજ નાણા ઉપાડવા માટે આવતા ખાતેદારો બેંકમાંથી નિયમાનુસાર રકમ મેળવ્યા વિના વિલા મોઢે પરત જતા હતા જેમાં આજરોજ સોમવારે ઉઘડતી બેંક પહેલાજ વિશાળ પ્રમાણમાં આવેલા ખાતેદારોને ખાતામાંથી રકમ નહી મળવાની સ્થિતીમાં બેંકને તાળુ મારીને બેંક સ્ટાફને ચાવી આપીને હવે રકમ લઇને જ તાળુ ખોલવા જણાવ્યુ હતુ. 

માધવપુરની રાષ્ટ્રીયકૃત બેંકમાં નાણાં ન મળતા લોકોમાં ઉગ્ર રોષ

નોટબંધી બાદ સામાન્ય નાગરીકથી લઈને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. લોકો પાસે ઘરખર્ચ માટે પણ પૂરતા પૈસા નથી. નોટબંધીને 2 માસ જેવો સમય વિતી ગયો હોવા છતાં દિનપ્રતિદિન સ્થિતિ કફોડી બનતી જાય છે તો બેન્કમાં પૈસાની અછતને લઈને લોકોમાં રોષ જોવા મળે છે.નોટબંધીને 2 માસ જેટલો સમય વિતી ગયો છતાં હજુ પણ લોકોની મુશ્કેલી દૂર થઈ નથી. પરંતુ દિનપ્રતિદિન પરિસ્થિતિમાં વધારો થતો જાય છે. બેન્કોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે તો માધવપુરમાં આવેલી રાષ્ટ્રીકૃત બેન્કમાં નાણાંની અછતને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોને પૈસા ન મળતા રોષ જોવા મળ્યો છે. બેન્ક બહાર પૈસા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે, બેન્કને પૂરતા પૈસા આપવામાં આવે જેથી લોકોને નાણાં મળી રહે અને બંધ એ.ટી.એમ. ચાલુ કરવામાં આવે.
Next Article