અસરગ્રત ખેડુતોને સહાયભૂત થવા રાજય સરકાર દ્વારા 5 મી મે 2023થી કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ હતું
રાજયમાં માર્ચ-2023માં વિવિધ જીલ્લાઓમાં પડેલ કમોસમી વરસાદ અન્વયે રાજય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 565 ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડુતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો. સર્વે કામગીરી સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર સંપન્ન કરવામાં આવી હોવાનું ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
વિગતવાર સર્વે કરી સર્વે યાદી બનાવવામાં આવી
જસદણ તાલુકાના આટકોટ ગામમાં પણ ખેડુતવાર વિગતવાર સર્વે કરી સર્વે યાદી બનાવવામાં આવી છે. જેમાં જે બે ખેડુતોનો સર્વેમાં સમાવેશ થયેલ છે તથા તેઓનાં ખેતર ઉપર સર્વે ટીમ દ્વારા સ્થળ મુલાકત લીધેલ જેમાં એક ખેડુતનાં ખેતરમાં ઘંઉ પાકનુ વાવેતર માલુમ પડેલ તથા કુલ ઘંઉ વાવેતર 2 હેકટર પૈકી 0.64 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત હોવાનુ જણાયું છે તથા બીજા ખેડુતનાં ખેતરમાં 1.60 હેકટર વિસ્તારમાં ઉનાળુ તલ પાકનુ આગોતરૂ વાવેતર માલુમ પડેલ તથા તલ પાક વાનસ્પતિક વૃધ્ધિ અવસ્થાએ માલુમ પડેલ પરંતુ બન્ને ખેડુતના ખેતર પર નિયત ધોરણ તથા માપદંડ અનુસાર નોંધપાત્ર નુકસાન જણાયું નહોતું એટલે એમનો સહાયમાં સમાવેશ કરાયો નથી.
5 મી મે 2023થી કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું
જિલ્લા કક્ષાએથી અસરગ્રત ખેડુતોને સહાયભૂત થવા રાજય સરકાર દ્વારા 5 મી મે 2023થી કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે. જેમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડુતોને નોંધપાત્ર સહાય મળે તે માટે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ દ્વારા SDRFનાં ધોરણો ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાયમાં અત્યાર સુધીનો મહત્તમ વધારો કરી ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર 9500 તથા બહુવર્ષાયુ બાગાયતી પાકોના કિસ્સામાં રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર 12600 ચૂકવવાની જોગવાઈ અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી કરવામાં આવી છે.
અસરગ્રસ્ત ખેડુતોનાં ખેતરની મુલાકાત કરાઈ
કમોસમી વરસાદની કામગીરી અંતર્ગત સમગ્ર રાજયમાં રજુઆતો અન્વયે અસરગ્રસ્ત ખેડુતોનાં ખેતરની મુલાકાત કરવામાં આવી છે. સર્વે થયા અંગેના ખેડુતો/સ્થાનીક પંચો/પદાધિકારીઓ/આગેવાનોની સહી સાથે પંચ રોજકામ કરવામાં આવ્યું છે. દરેક નુકશાનગ્રસ્ત ખેડુતની વિગત સર્વે યાદીમાં નોધવામાં આવેલ છે. સર્વે યાદી/ પંચ રોજકામ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે ઉપલબ્ધ છે.