વડોદરામાં બિલ્ડરે નાણા લીધા બાદ મકાન-દુકાનનું પઝેશન નહીં આપતા પોલીસ સ્ટેશન બહાર હોબાળો

Webdunia
ગુરુવાર, 16 મે 2024 (12:30 IST)
વડોદરા શહેરમાં કિશન એમ્બ્રોશિઆ નામની કંન્સક્શન સાઇટ ચલાવતા બિલ્ડર ભીખુ કોરીયાએ નાણા લીધા બાદ મકાન અને દુકાનના પઝેશન નહીં આપતા 150 જેટલા લોકોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. લોકોએ 6 વર્ષથી નાણા ભર્યા છે તેમ છતાં મકાન અને દુકાનનું પઝેશન આપ્યું નથી અને છેલ્લા 10 મહિનાથી સાઇટ પણ બંધ કરી દીધી હોવાના આક્ષેપ લોકોએ કર્યાં છે.

આજે સવારથી લોકો ફરિયાદ નોંધાવવા માટે ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને રાત સુધીમાં 40 વર્ષીય નયનાબેન તેવાની નામના એક મહિલાને ચક્કર આવતા તે બેભાન થઈ ગઈ હતી. જેથી તેને એમબ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસ ફરિયાદ કરવા આવેલા શીલા બારીયાએ જણાવ્યું હતું કે, કિશન એમ્બ્રોશિઆ સાઇટમાં મેં ફ્લેટ બુકિંગ કરાવ્યાને 6 વર્ષ થઇ ગયા છે અને છેલ્લે ડિસેમ્બર-2023માં પઝેશન આપવાનું બિલ્ડરે કહ્યું હતું. પરંતુ હજી સુધી કોઇ ઠેકાણુ નથી. 70 ટકા રૂપિયા બધાએ આપી દીધા છે. આજે અને કાલે એવા વાયદા કરે છે, પૈસા પરત આપવા માટે બિલ્ડર તૈયાર નથી અને પોલીસ અમારી ફરિયાદ નોંધવા તૈયાર નથી. બિલ્ડર પણ જવાબ આપતો નથી. અમે 150 જેટલા લોકો અહીં ભેગા થયા છીએ. બધાએ મકાન અને દુકાનનું બુકિંગ કરાવ્યું છે.

ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એન. પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, કોરીયા ઇન્ફ્રા પ્રા.લિ.ના બિલ્ડર ભીખુ કોરીયા અને તેની પત્ની સામે 7.21 લાખની છેતરપિંડીની એક ફરિયાદ નોંધી છે અને 3થી 4 લોકોની અરજી પણ લીધી છે અને આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે, બિલ્ડર ભીખુ કોરીયા એ કોરીયા ઇન્ફ્રા પ્રા.લિ. નામની કન્સ્ટ્રક્શન ચલાવે છે અને જેમાં હાલ કિશન એમ્બ્રોશિઆ નામની કંન્સક્શન સાઇટ ચલાવે છે. જેમાં મકાન અને દુકાનનું પઝેશન ન આપ્યું હોવાના આક્ષેપ લોકોએ લગાવ્યા છે અને આજે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ભારે હોબાળો મચાવીને ફરિયાદ નોંધવાની માંગ કરી હતી અને પોલીસ સામે પણ આક્ષેપો લગાવ્યા હતા. જો કે, પોલીસે આક્ષેપોને ફગાવી દીધા હતા.

સંબંધિત સમાચાર

Next Article